સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત મહાનગરપાલિકામાં વિજિલન્સની અચાનક રેઇડ, મોડા આવતા કર્મચારીઓ ભાગ્યા

સુરત મહાનગરપાલિકામાં વિજિલન્સની અચાનક રેઇડ, મોડા આવતા કર્મચારીઓ ભાગ્યા

સુરત મહાનગરપાલિકા (SMC) ની મુખ્ય કચેરી સહિત તમામ વિભાગોમાં વિજિલન્સ ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરના આદેશથી થયેલી આ કાર્યવાહીમાં સમયસર હાજર ન થતા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.

દરોડા દરમિયાન એક તરફ મુખ્ય દરવાજે વિજિલન્સ ટીમ કડક ચેકિંગ કરી રહી હતી, ત્યારે બીજી તરફ પાલિકા કચેરીની પાછળની ગલીમાં મોડા આવેલા અનેક કર્મચારીઓ છુપાઈને ઊભા હતા. જોકે, મીડિયાના કેમેરા ત્યાં પહોંચતાં જ પકડાઈ જવાના ડરથી કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અનેક કર્મચારીઓ મોં છુપાવીને ભાગતા નજરે પડ્યા હતા.

સુરત મહાનગરપાલિકા કચેરીમાં કર્મચારીઓ મોડા આવતા હોવાની વારંવાર ફરિયાદો મળ્યા બાદ નવા કમિશનરે કાર્યવાહી શરૂ કરી છે. ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, બાયોમેટ્રિક હાજરી સાથે ક્રોસ વેરિફિકેશન કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ કર્મચારીઓને મેમો અપાશે. વારંવાર મોડા આવનારા કર્મચારીની સીએલ કાપીને ગેરહાજર ગણવામાં આવશે, પછી તે નાનો કર્મચારી હોય કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર.

હાલ આ કડક તપાસને કારણે મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિજિલન્સની આ કાર્યવાહીથી કચેરીમાં સમયપાલન અંગે સખત દેખરેખ રાખવામાં આવી રહી છે.