સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત પાલિકાની 249 જગ્યાઓ માટેની પરીક્ષાનું પરિણામ જાહેર, 11,650 ઉમેદવારો હાજર રહ્યા હતા

સુરત પાલિકાની 249 જગ્યાઓ માટેની પરીક્ષાનું પરિણામ જાહેર, 11,650 ઉમેદવારો હાજર રહ્યા હતા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત વિવિધ સંવર્ગોની કુલ 249 જગ્યાઓ ભરવા માટે લેવાયેલી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 11,650 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

પાલિકાની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સફળ ઉમેદવારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પસંદગી ન થયેલા ઉમેદવારોમાં નિરાશા છવાઈ હતી. લાંબા સમયથી સરકારી નોકરીની આશા સાથે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ પરિણામ મહત્ત્વપૂર્ણ છે.

મળતી માહિતી મુજબ, 249 જગ્યાઓ માટે કુલ 21,566 ઉમેદવારોએ અરજી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર 11,650 ઉમેદવારોએ જ લેખિત પરીક્ષામાં હાજરી આપી હતી. આમ, અરજી કરનારા ઉમેદવારોમાંથી લગભગ 54 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

સંવર્ગવાર વિગતો જોઈએ તો, ટેકનિકલ ઓફિસરની 4 જગ્યાઓ માટે 1,483 અરજીઓ પૈકી 742 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. લેબોરેટરી ટેકનિશિયનની 40 જગ્યાઓ માટે 4,646 અરજીઓમાંથી 2,879 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સુપરવાઇઝર (કમ્પ્યુટર)ની 12 જગ્યાઓ માટે 2,584 અરજીઓ સામે 1,639 ઉમેદવારો હાજર રહ્યા હતા.

તેમજ જુનિયર એનાલિસ્ટની 7 જગ્યાઓ માટે 1,242 અરજીઓમાંથી 690 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યાઓ માટે 3,780 અરજીઓ પૈકી 2,084 ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા. આસિસ્ટન્ટ ઓડિટરની 4 જગ્યાઓ માટે 379 અરજીઓમાંથી 234 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ટેકનિકલ આસિસ્ટન્ટની 112 જગ્યાઓ માટે સૌથી વધુ 7,452 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 3,382 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

હવે ઉમેદવારોની નજર ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા તરફ છે.