સુરત મહાનગરપાલિકાની દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં લેવાયેલા નાસ્તાના ખર્ચે ચર્ચા જગાવી છે. સભામાં હાજર નગરસેવકો, અધિકારીઓ અને અન્ય લોકો માટે 800 રૂપિયા કિલોના ભાવે ભજીયા મંગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સામાન્ય સુરતીઓ બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે.
મળતી માહિતી અનુસાર, મોટા ઓર્ડર પર કિલોએ માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું, જેથી 750 રૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાયા. આમ, માત્ર ભજીયા પાછળ જ આશરે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળે છે.
ચંદની પડવાના તહેવાર નિમિત્તે સભામાં ઘારી પણ પીરસવામાં આવી હતી, જેનું બિલ આશરે 20 હજાર રૂપિયા થયું હોવાનું કહેવાય છે. ભજીયાનું બિલ ઘારી કરતાં પાંચ ગણું હોવાની ચર્ચા છે.
પાલિકાની તિજોરીમાં જમા થતા નાણાં પ્રજાના વેરામાંથી આવે છે. તેથી, સામાન્ય સભાના નાસ્તા માટે બજારભાવ કરતાં આટલા મોંઘા ભજીયા કેમ મંગાવવામાં આવ્યા તે અંગે સવાલ ઊભા થયા છે. આ ખર્ચને કોણે મંજૂરી આપી અને મોંઘા ભજીયાની પસંદગી કયા આધારે કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.