સુરત: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ (2 ઓક્ટોબર)ના દિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલના એક નિવેદનને કારણે નવો વિવાદ ઊભો થયો છે.
મળતી માહિતી મુજબ, 2 ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે સુરતના ઐતિહાસિક ગાંધી બાગ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સાંસદ મુકેશ દલાલ પણ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. બાપુની પ્રતિમા પાસે ઉભા રહીને મીડિયાને સંબોધિત કરતી વખતે તેમણે ગાંધી જયંતીને 'જન્મજયંતિ'ને બદલે 'પુણ્યતિથિ' ગણાવી દીધી હતી.
આ ઘટનાનો વીડિયો ક્ષણવારમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. જાહેરમાં એક જવાબદાર સાંસદ દ્વારા રાષ્ટ્રપિતાના જન્મદિવસે આવી ભૂલ કરવામાં આવતાં નેટીઝન્સ અને વિપક્ષ દ્વારા તેમની ટીકા કરવામાં આવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને 'સુરતના સાંસદનું જ્ઞાન જુઓ' જેવા કટાક્ષ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો અને આ દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તથા ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે 30 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિ આવે છે. શાસક પક્ષના સાંસદ દ્વારા આવી પ્રાથમિક માહિતીમાં ભૂલ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.