સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના ધારાસભ્ય કાનાણીનો પોલીસ કમિશનરને પત્ર: ટ્રાફિક પોલીસ પર ઉઘરાણાનો આરોપ

સુરતના ધારાસભ્ય કાનાણીનો પોલીસ કમિશનરને પત્ર: ટ્રાફિક પોલીસ પર ઉઘરાણાનો આરોપ

સુરતમાં વરાછા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખીને ટ્રાફિક પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. આ પત્રમાં તેમણે ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ અંગે આઠ મુદ્દા રજૂ કર્યા છે.

ધારાસભ્ય કાનાણીએ આરોપ લગાવ્યો છે કે ટ્રાફિક પોલીસ માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડ વસૂલે છે. તેમણે કહ્યું કે પાંચથી સાત પોલીસકર્મીઓના ટોળા રસ્તા પર ઊભા રહીને માત્ર ટુ-વ્હીલર ચાલકોને પકડીને હજારો રૂપિયાનો દંડ વસૂલે છે, જ્યારે શહેરમાં ભારે વાહનો બેરોકટોક દોડે છે. રિક્ષાઓ વારંવાર રોંગ સાઈડમાં જતી જોવા મળે છે અને 18-19 વર્ષના યુવાનો ડમ્પરો બેફામ ચલાવીને નિયમભંગ કરે છે, તો પણ તેમની સામે કાર્યવાહી થતી નથી.

પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે શહેરમાં 800થી વધુ સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં છે. જનસુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં જાળવણી પર ધ્યાન કેમ અપાતું નથી, તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. ટ્રાફિક સમસ્યા નિવારવા સિગ્નલનું યોગ્ય સંચાલન અને અમલીકરણ થવું જોઈએ તેવી રજૂઆત પણ તેમણે કરી છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કિશોર કાનાણી અગાઉ પણ સરકારી તંત્ર સામે પત્રવ્યવહાર કરીને ચર્ચામાં રહ્યા છે. તેમણે ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓની સમસ્યાઓ અંગે સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી હતી.

આ પત્રને લઈને રાજકીય અને પોલીસ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પોલીસ કામગીરીની પારદર્શકતા અંગે ધારાસભ્યએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.