સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતની મીઠી ખાડી 110 મીટર પહોળી કરાશે, ખાડીપૂરથી રાહત મળશે?

સુરતની મીઠી ખાડી 110 મીટર પહોળી કરાશે, ખાડીપૂરથી રાહત મળશે?

સુરતમાં દર વર્ષે ચોમાસામાં ખાડીપૂરની સમસ્યા સુરતીઓ માટે મોટી મુશ્કેલી બની રહી છે. આ વર્ષે પણ શહેરે ત્રણ વખત ખાડીપૂરનો સામનો કરવો પડ્યો છે. પર્વત પાટિયા, લિંબાયત, ગોડાદરા, સારોલી અને ડી. એ વિસ્તારોમાં પાણી ભરાયું હતું.

હવે સુરતની મુલાકાતે આવેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સર્કિટ હાઉસમાં જણાવ્યું કે, શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાં સૌથી વધુ નુકસાન કરનારી મીઠી ખાડીને 110 મીટર પહોળી અને ઊંડી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ટેકનિકલ ડેટા મુજબ, ખાડીઓમાં વર્ષોથી જમા થયેલી લાખો ઘન મીટર માટી અને કાદવને ડ્રેજિંગ મશીનરી દ્વારા બહાર કાઢી દૂર કરવાનો પ્લાન છે. મહાનગરપાલિકા તેની હદમાં અને સિંચાઈ વિભાગ પાલિકા હદ બહારના ભાગોમાં ડ્રેજિંગ કરી રહ્યા છે.

ગાંધીનગરમાં નાણામંત્રી કનુ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને સંગઠનના અગ્રણીઓ સાથેની બેઠક બાદ આ કામગીરીને વેગ મળ્યો છે. જોકે, ભૂતકાળની જમીની વાસ્તવિકતા તપાસતાં મોટો સવાલ ઊભો થાય છે કે, કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન બજેટ છતાં દર વર્ષે આ જ પરિસ્થિતિ કેમ સર્જાય છે? ખાડીના કેચમેન્ટ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો, બોટલનેક પોઈન્ટ્સ અને અધૂરા ડ્રેજિંગને કારણે ચોમાસામાં પાણી ઓવરફ્લો થઈને સોસાયટીઓમાં ઘૂસી જાય છે.

હાલ તંત્ર ચોમાસું શરૂ થાય તે પહેલાં સંપૂર્ણ ડી-સિલ્ટિંગ કરી માટીનો નિકાલ કરવાનો દાવો કરી રહ્યું છે, જેથી પાણીનો પ્રવાહ સીધો દરિયા કે નદી તરફ વહી જાય. પરંતુ ત્રણ વખત પૂરની થપાટ ખાઈ ચૂકેલા સુરતીઓમાં હજુ પણ અવિશ્વાસ છે કે, આ વખતે 110 મીટર પહોળી કરવાની અને ભારે ડ્રેજિંગની કવાયત જમીન પર સાચું પરિણામ આપશે કે પછી દર વખતની જેમ કરોડો રૂપિયા પાણીમાં જ વહી જશે?