સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત મેટ્રો: દેશનું પ્રથમ 'સ્ટેક્ડ સ્ટેશન' અને ડાયમંડ થીમ સાથે નવો પરિવહન માળખો

સુરત મેટ્રો: દેશનું પ્રથમ 'સ્ટેક્ડ સ્ટેશન' અને ડાયમંડ થીમ સાથે નવો પરિવહન માળખો

સુરતમાં દેશનું પ્રથમ 'સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન' તૈયાર થયું છે. ભાગળ (મસ્કતી હોસ્પિટલ) અને કાપોદ્રા (લાભેશ્વર) જેવા ગીચ વિસ્તારોમાં જમીનની મર્યાદિત પહોળાઈને ધ્યાનમાં રાખીને આ સ્ટેશન બનાવાયા છે. અહીં આસપાસની મિલકતો કે ઐતિહાસિક બાંધકામોને નુકસાન પહોંચ્યા વગર ઊભી જગ્યાનો ઉપયોગ કરાયો છે.

જમીનથી અંદાજે 110 ફૂટ ઊંડે બે માળના અંડરગ્રાઉન્ડ ટનલમાં બંને દિશાની લાઈનો બાજુ-બાજુમાં નહીં, પણ એકબીજાની ઉપર-નીચેથી પસાર થશે. આ માટે ટનલ બોરિંગ મશીન (TBM), ડાયાફ્રામ વોલ અને 'ટોપ-ડાઉન' કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. સુરત રેલવે સ્ટેશન, મેટ્રો, સિટી બસ સેવા અને GSRTC ડેપોને એક જ પરિવહન હબ સાથે જોડવાની યોજના છે.

સુરતની 'ડાયમંડ સિટી' તરીકેની ઓળખને અનુરૂપ મેટ્રોની સીલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ કટ્સ (ડાયમંડ ફેસિટ્સ) આધારિત આંતરિક ડિઝાઇન તૈયાર કરાઈ છે. અડાજણ ગામ ખાતે આવેલા 7 સદીથી પણ વધુ જૂના ઐતિહાસિક 'ચોર આમલી' વૃક્ષને કાપવામાંથી બચાવવા માટે મેટ્રોનું આખું અલાઈનમેન્ટ બદલવામાં આવ્યું છે. પ્રોજેક્ટના 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને 'ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ' (IGBC)ના ધોરણો મુજબ ડિઝાઇન કરાયા છે.

આ ઉપરાંત, મેટ્રોમાં ઓવરહેડ વીજળીના થાંભલાઓને બદલે 750V DC થર્ડ રેલ સિસ્ટમથી પાટાના લેવલથી જ પાવર સપ્લાય અપાશે, જેથી વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ સેવા અવિરત રહે. ખજોદ ખાતે 20 હેક્ટરમાં ફેલાયેલા 'ડ્રીમ સિટી ડેપો'માં એકસાથે 24 ટ્રેન ઊભી રહી શકે તેવું સ્ટેબિલિંગ યાર્ડ, મેન્ટેનન્સ-વોશિંગ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

સુરત રેલવે સ્ટેશન, સિટી બસ અને GSRTC ડેપોને એક જ છત નીચે સાંકળતું મલ્ટી-મોડલ નેટવર્ક ઊભું કરાશે. મજુરાગેટ સ્ટેશન કોરિડોર-1 અને 2ને જોડતું ઈન્ટરચેન્જ હબ બનશે. સારોલી અને રઘુકૂલ માર્કેટ પાસે 810 ટન સ્ટીલથી બનેલા 85 મીટરના મહાકાય 'ઓપન વેબ ગર્ડર' લોન્ચ કરવામાં આવ્યા છે.