સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત મેટ્રોને મળશે ડાયમંડ કટ થીમ, 700 વર્ષ જૂનું ચોર આંબલી વૃક્ષ પણ બચાવાયું

સુરત મેટ્રોને મળશે ડાયમંડ કટ થીમ, 700 વર્ષ જૂનું ચોર આંબલી વૃક્ષ પણ બચાવાયું

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે મેટ્રો કોચના ઇન્ટિરિયરનો પહેલો લુક સામે આવ્યો છે. આ ઇન્ટિરિયરમાં સુરતની ઓળખ એટલે કે હીરા નગરીને ધ્યાનમાં રાખીને ડાયમંડ કટ થીમ રાખવામાં આવી છે.

ટ્રેનમાં પ્રવેશતાં જ મુસાફરોને હીરા નગરીનો અનુભવ થાય તે રીતે આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કોચની સીલિંગ અને એલિવેશનમાં હીરાના જુદા જુદા કટ્સ અને ડાયમંડ ફેસેટ્સની કલાત્મક ડિઝાઇન જોવા મળે છે. આ થીમ સુરતને દેશની અનોખી થીમ-આધારિત મેટ્રો તરીકે નવી ઓળખ અપાવશે.

મેટ્રો પ્રોજેક્ટ માત્ર આધુનિક એન્જિનિયરિંગ પૂરતો સીમિત નથી. તેમાં પર્યાવરણ અને સુરતના વારસાનું પણ ધ્યાન રખાયું છે. અડાજણ ગામ ખાતે મેટ્રો રૂટમાં આવતા 700 વર્ષથી પણ વધુ જૂના ચોર આંબલી વૃક્ષને કાપવાને બદલે વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી મેટ્રોનું અલાઈનમેન્ટ બદલી નાખ્યું છે, જેથી આ વારસાગત વૃક્ષ બચી શકે.

આ ઉપરાંત પ્રોજેક્ટમાં અનેક અનોખા એન્જિનિયરિંગ કાર્યો પણ સામેલ છે. મસ્કતી હોસ્પિટલ અને લાબેશ્વર વિસ્તારમાં જમીનથી આશરે 110 ફૂટ ઊંડે દેશનું સર્વપ્રથમ બે માળનું સ્ટેક્ડ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ખજોદ ખાતે 20 હેક્ટર વિસ્તારમાં અત્યાધુનિક ઇકો-ફ્રેન્ડલી ડ્રીમ સિટી ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે. સારોલી નજીક 85 મીટરનો વિશાળ સ્ટીલ ગર્ડર પણ સફળતાપૂર્વક લોન્ચ કરાયો છે. સુરત મેટ્રો આધુનિકતા, શહેરની ઓળખ અને પર્યાવરણીય સંરક્ષણનો અનોખો સમન્વય રજૂ કરે છે.