સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ₹24 કરોડની આગ: બાકી પગારના બદલામાં પૂર્વ એકાઉન્ટન્ટે માર્કેટ સળગાવ્યું, ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો

સુરતમાં ₹24 કરોડની આગ: બાકી પગારના બદલામાં પૂર્વ એકાઉન્ટન્ટે માર્કેટ સળગાવ્યું, ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની માર્કેટમાં ભીષણ આગ લગાવવાના આરોપમાં ક્રાઈમ બ્રાંચે વિનોદ સાવલેને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આગ શોર્ટ સર્કિટથી નહીં, પણ જાણી જોઈને લગાવવામાં આવી હતી.

ડિંડોલીમાં રહેતો 33 વર્ષીય વિનોદ પંડિત સાવલેએ એપ્રિલ મહિનામાં શ્યામ સંગિની માર્કેટમાં આવેલી 'જેકોર્પ ઇન્ડિયા' અને 'જગદંબા ટેક્સટાઇલ'માં ₹30,000 પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. પેઢીના માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર અને મુખ્ય એકાઉન્ટન્ટ સુમિત તેને વારંવાર કહેતા હતા કે 'તને એકાઉન્ટનું 10 ટકા કામ પણ નથી આવડતું.' આ અપમાનથી કંટાળીને વિનોદે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેના પગારના ₹10,000 બાકી રહ્યા હતા. ઉઘરાણી કરવા જતાં શેઠે રૂપિયા આપવાની આનાકાની કરી ગાળાગાળી કરી હતી.

પોલીસ પૂછપરછમાં વિનોદે કબૂલ્યું કે સતત અપમાન અને મહેનતના પૈસા ન મળતાં તેણે શેઠને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સામાન્ય માણસ માટે ₹10,000ની કિંમત શું છે તે દેખાડવા તેણે માર્કેટ સળગાવવાનું કાવતરું ઘડ્યું. આગલી સાંજે તેણે દેવધ ગામ પાસેના પેટ્રોલ પંપ પરથી પ્લાસ્ટિકની બોટલમાં ₹150નું પેટ્રોલ ખરીદી સ્કૂલ બેગમાં સંતાડી રાખ્યું હતું.

ઘટનાના દિવસે રાત્રે 8:57 વાગ્યે ખભા પર બેગ અને મોઢે સફેદ રૂમાલ બાંધીને વિનોદ માર્કેટમાં પ્રવેશ્યો. 9:00 વાગ્યે લિફ્ટ મારફતે છઠ્ઠા માળે પહોંચી માર્કેટ ખાલી થવાની રાહ જોતો પાંચમા માળના પેસેજમાં સંતાઈ ગયો. મધ્યરાત્રિએ 12:20 વાગ્યે માર્કેટ સુમસામ થતાં ફરી છઠ્ઠા માળે પહોંચ્યો અને 12:24 વાગ્યે શેઠ હનુમાન જવરની દુકાન બહાર પડેલા કાપડના પાર્સલો પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી. આગ ભડકે બળતાં જ 12:27 વાગ્યે દાદર મારફતે નીચે ઉતરી બાઈક લઈને ફરાર થઈ ગયો. આખી ઘટના માત્ર ત્રણ મિનિટમાં પાર પડી હતી.

વિનોદને એમ હતું કે આગને શોર્ટ સર્કિટ ગણી સામાન્ય અકસ્માત માની લેવાશે. પરંતુ બીજા દિવસે મીડિયા અને સોશિયલ મીડિયા પર આગ માનવસર્જિત હોવાના સમાચાર અને તેના CCTV ફૂટેજ વાયરલ થતાં તે ગભરાઈ ગયો. તેણે મોબાઈલ સ્વિચ ઓફ કરી પરિવાર સાથે ₹13,000-14,000 રોકડા લઈને રાજસ્થાનના ખાટુશ્યામ અને ઉત્તર પ્રદેશના અયોધ્યા ભાગી ગયો. પૈસા ખતમ થઈ જતાં અને મામલો થાળે પડી ગયો હોવાનું માનીને તે સુરત પરત ફર્યો કે તરત ક્રાઈમ બ્રાંચે તેને ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી લીધો.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં છઠ્ઠા માળની દુકાનોમાં રાખેલો ₹24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. ફાયર બ્રિગેડના વોટર કેનનથી નીચેના ફ્લોરના વેપારીઓનો માલ પણ પલળીને બરબાદ થયો. આગ બાદ સુરક્ષાના કારણોસર માર્કેટ સીલ કરી દેવાતાં 200થી વધુ વેપારીઓને કરોડો રૂપિયાનું વ્યાપારી નુકસાન સહન કરવું પડ્યું છે. તહેવારોની સિઝન ટાણે બનેલી આ ઘટનાએ સેંકડો પરિવારોની દિવાળી અંધકારમય બનાવી છે.