સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: X-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ, પરિવારનો હોબાળો

સુરત: X-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ, પરિવારનો હોબાળો

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક મૃતક મહિલાના ગળામાંથી તેનું સોનાનું મંગળસૂત્ર ગાયબ થઈ જવાની ઘટના સામે આવી છે. આ મામલે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ સામે આશંકા વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. બાદમાં ખટોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિવારજનોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, 40 વર્ષીય સીમાબેન રાજેન્દ્ર પાટીલનું મૃત્યુ થયું હતું. તેમને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં તેમના ગળામાં સોનાનું મંગળસૂત્ર હતું. જ્યારે તેમનો એક્સ-રે રિપોર્ટ લેવામાં આવ્યો ત્યારે તેમાં મંગળસૂત્ર દેખાઈ આવ્યું હતું. પરંતુ એક્સ-રે બાદ મૃતદેહને બહાર લાવવામાં આવ્યો ત્યારે મંગળસૂત્ર ગાયબ હતું. આ જોઈને પરિવારજનોએ હોસ્પિટલ કર્મચારીઓ પર શંકા વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને મંગળસૂત્ર ગાયબ થવાની ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાના તમામ પાસાંઓની તપાસ કરી રહી છે.