સુરતના કતારગામમાં રહેતો 39 વર્ષીય રમણિક સખવાળા રોજગાર માટે રશિયા ગયો હતો અને ત્યાં રશિયન આર્મીમાં જોડાયા બાદ છેલ્લા ચાર મહિનાથી સંપર્કમાં નથી. તેમના પરિવારજનો ચિંતિત છે.
મૂળ અમરેલીના અને છેલ્લા 35 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા સખવાળા પરિવારના રમણિકભાઈ હીરા ઉદ્યોગમાં મંદીને કારણે વિઝિટર વિઝા પર રશિયા ગયા હતા. ત્યાં તેમણે રોજિંદો ખર્ચ કાઢવા માટે છૂટક નોકરીઓ કરી. એપ્રિલમાં પરત ફરવાના વિચારમાં હતા, પરંતુ યોગ્ય કામ ન મળતાં રોકાણ લંબાવ્યું. આ દરમિયાન તેમને રશિયન સૈન્યમાં સપોર્ટ સ્ટાફ તરીકે નોકરીની ઓફર મળી, જેના આધારે તેઓ જૂનમાં મિલિટરીમાં જોડાયા.
પત્ની શીતલબેને જણાવ્યું કે, છેલ્લે 24 જૂને વાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ટ્રેનિંગ શરૂ થઈ છે, નેટવર્ક સમસ્યા રહેશે, પછી ફોન કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે માત્ર ફૂડ ટ્રાન્સફરનું કામ કરવાનું છે, યુદ્ધમાં જવાનું નથી. જોકે, એક દિવસ તેમણે કહ્યું કે સેફ્ટી માટે ગન ચલાવતા શીખવાડ્યું હતું. તેમણે શ્રીલંકન ટ્રેનર અર્જુનનો નંબર આપ્યો હતો અને બેંક કાર્ડ પણ તેની પાસે હોવાનું જણાવ્યું હતું.
પરિવારને મળેલી માહિતી મુજબ, ટ્રેનર અર્જુને શરૂઆતના દોઢ-બે મહિના સુધી વાતચીત કરી, પરંતુ ત્યારબાદ ગોળગોળ જવાબો આપ્યા અને પોતાનું ટ્રાન્સફર થઈ ગયું હોવાનું કહીને સંપર્ક કાપી નાખ્યો. હવે રમણિકભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ છે અને વ્હોટ્સએપ પણ બંધ છે.
ભાઈ મહેશભાઈએ જણાવ્યું કે, રમણિક છેલ્લા દોઢ વર્ષથી રશિયામાં હતો અને છઠ્ઠા મહિને મિલિટરી જોઈન કરી હતી. શરૂઆતના 20 દિવસ સંપર્ક રહ્યો, પણ પછી ચાર મહિનાથી કોઈ સંપર્ક નથી. અમે ભારતમાં રશિયન એમ્બેસી, મોસ્કોમાં ભારતીય એમ્બેસી, પીએમઓ, વિદેશ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ માત્ર તપાસ ચાલી રહી હોવાના જવાબ મળે છે.
રમણિકભાઈના ગુમ થવાથી પરિવાર આર્થિક અને માનસિક સંકટમાં મુકાયો છે. તેમના વૃદ્ધ પિતા કાળુભાઈ ખેતી કામ સાથે સંકળાયેલા છે, જેમને શરૂઆતમાં જાણ પણ કરવામાં આવી નહોતી. પત્ની શીતલબેને ઘર ચલાવવા અને 16 વર્ષના પુત્ર હેમિલના અભ્યાસ ખર્ચ માટે સિલાઈ કામ શરૂ કર્યું છે. પરિવાર પાસે રશિયન સેનાની ભરતીના પોસ્ટરો અને પાસપોર્ટની વિગતો છે, જેના આધારે તેઓ ભાળ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને લોભામણી નોકરીઓની લાલચ આપીને જોખમી વિસ્તારોમાં મોકલવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. સરકાર સમક્ષ તાકીદે મદદની માંગ કરવામાં આવી રહી છે કે યુવકને સહીસલામત પરત લાવવામાં આવે.