સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં તહેવારોમાં ₹1,143 કરોડની કાર ખરીદી, રેન્જ રોવર અને પોર્શ ઇલેક્ટ્રિક સૌથી મોંઘી

સુરતમાં તહેવારોમાં ₹1,143 કરોડની કાર ખરીદી, રેન્જ રોવર અને પોર્શ ઇલેક્ટ્રિક સૌથી મોંઘી

સુરતમાં ગણેશ ચતુર્થીથી દિવાળી સુધીના તહેવારોની સીઝનમાં વાહનોનું વેચાણ જોરદાર રહ્યું છે. સુરત આરટીઓ કચેરીના આંકડા પ્રમાણે, આ સમયગાળામાં કુલ 42,337 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જેની કુલ કિંમત ₹1,143.41 કરોડ થાય છે.

આ વાહનોમાં 33,000 જેટલા ટૂ-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ-નોન ટ્રાન્સપોર્ટ મળીને 6,500 જેટલી ફોર-વ્હીલર કારનો સમાવેશ થાય છે. આરટીઓ અધિકારી એચ. એમ. પટેલના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વખતે તમામ કેટેગરીમાં ખરીદીમાં વધારો થયો છે.

વાહનોના વેચાણથી સુરત આરટીઓને ₹68.60 કરોડનો વાહન વેરો પણ મળ્યો છે, જે ગત વર્ષ કરતાં વધુ છે.

લક્ઝુરી કારમાં સુરતીઓનો ઉત્સાહ

ટોપ-50 સૌથી મોંઘી પ્રીમિયમ કારની કુલ કિંમત ₹36.85 કરોડ (એક્સ-શોરૂમ) નોંધાઈ છે. શહેરમાં 78 હાઈ-એન્ડ લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન થયું છે, જેની કુલ કિંમત ₹48.23 કરોડ છે.

આ યાદીમાં સૌથી મોંઘી કાર જગુઆર લેન્ડ રોવરની 'રેન્જ રોવર 3.0P LWB ઓટોબાયોગ્રાફી' રહી છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹1,89,28,580 (અંદાજે ₹1.89 કરોડ) છે, જ્યારે રોડ ટેક્સ અને અન્ય ખર્ચ સાથે ઓન-રોડ કિંમત ₹3.39 કરોડ થાય છે. આ કાર સુરતના એક ઉદ્યોગપતિએ ખરીદી છે.

બીજા ક્રમે પોર્શની 'મેકન ટર્બો ઇલેક્ટ્રિક' કાર છે, જેની કિંમત અંદાજે ₹1.89 કરોડ છે. ઉપરાંત ₹98.67 લાખની એમજી સાયબરસ્ટર અને ₹90.19 લાખની M9 લિમોઝિન પણ ખરીદવામાં આવી છે.

મર્સિડીઝ અને BMW મુખ્ય પસંદ

ટોપ-50 લક્ઝુરી કારમાં મર્સિડીઝ બેન્ઝની 20 કાર (GLS, GLE અને GLA મોડલ) અને BMWની 16 કાર (X7, X5, M2 અને iX1)નો સમાવેશ થાય છે. આમ, ટોપ-50માં 72%થી વધુ હિસ્સો આ બે જર્મન બ્રાન્ડનો છે.

હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક તરફ વળતર

લક્ઝુરી કારમાં પણ ગ્રીન ટેક્નોલોજીનો પ્રભાવ વધ્યો છે. ટોપ-50માં 19 હાઇબ્રિડ (ડીઝલ/પેટ્રોલ હાઇબ્રિડ) અને 13 પ્યોર ઇલેક્ટ્રિક વાહનો છે.

પૂરના વીમા ક્લેમથી મળ્યો વેગ

વેચાણમાં વધારા પાછળ એક કારણ સુરતમાં તાજેતરમાં આવેલા પૂરમાં ડૂબેલા વાહનોના વીમા ક્લેમનું સમયસર નિકાલ છે. આરટીઓએ વીમા કંપનીઓ સાથે સંકલન કરીને ક્લેમ ઝડપથી સેટલ કરાવ્યા, જેથી લોકોને તહેવારો પહેલાં નાણાં મળી ગયા અને તેમણે નવી ગાડીઓ ખરીદી.