સુરતના લીંબાયત વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં મિલકતની વહેંચણી અને ભાડાની આવકને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટા પુત્રએ પોતાની સગી માતા અને નાના ભાઈની હત્યા કરી નાખી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ માહિતી અનુસાર, મૃતક મહિલા મલેશ્વરીના નામે ત્રણ દુકાનો છે, જેમાંથી દર મહિને અંદાજે 60 હજાર રૂપિયાની ભાડાની આવક થાય છે. આ આવક નાનો પુત્ર રાજુ મેળવતો હતો. આ બાબતે પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મોટા પુત્રની નજર આ દુકાનોની આવક પર હતી.
મિલકતના વિવાદમાં મોટા પુત્રએ માતા મલેશ્વરી અને નાના ભાઈ રાજુ પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી. એક જ પરિવારના બે સભ્યોની હત્યાથી તેલુગુ સમાજ અને સમગ્ર લીંબાયત વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઉપરાંત, શનિવારે સુરતમાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. એક ઘટનામાં બેફામ ડમ્પરે બે બહેનોને ટક્કર મારતાં 22 વર્ષીય નેહા પ્રસાદનું મોત નીપજ્યું છે, જ્યારે તેની બહેન નિકી પ્રસાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. અલથાણ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બીજી ઘટનામાં ભેસ્તાન વિસ્તારના ભગવતી ઈન્ડસ્ટ્રીઝ પાર્કમાં નિર્માણાધીન સાઈટ પર લિફ્ટ માટે ખોદવામાં આવેલા પાણી ભરાયેલા ખાડામાં પડી જવાથી 3 વર્ષના અલ્કેશ કટારા અને 2 વર્ષની રીટા કટારાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.