સુરતના લસકાણા વિસ્તારમાં થયેલી એક ચોંકાવનારી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. યુવક અમરબાબુ નિષાદની હત્યાના આરોપમાં તેની પત્ની રીનાદેવી અને તેના સગા ભાઈ શિવબાબુ નિષાદની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
પોલીસ મુજબ, લસકાણા ડીજીવીસીએલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામેની સર્વિસ રોડ પરથી અમરબાબુ નિષાદનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે દોરી કે વાયર વડે ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હતી. લસકાણા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને પરિવારજનોની પૂછપરછ કરી. જેના આધારે પોલીસને મૃતકની પત્ની અને ભાઈની સંડોવણી હોવાની શંકા ગઈ. બંનેની અટકાયત કરી પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રીનાદેવી અને તેના દિયર શિવબાબુ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધો ચાલી રહ્યા હતા. આ વાતની જાણ અમરબાબુને થઈ ગઈ હતી. પોતાના જ ઘરમાં પત્ની અને ભાઈ વચ્ચેના આડા સંબંધોથી તેઓ ખૂબ નારાજ હતા. આ બાબતને લઈને ઘરમાં રોજેરોજ ભારે કંકાસ અને તકરાર થતી હતી. આ સંબંધોને કારણે જ અમરબાબુની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે.
પોતાના જ પરિવારના સભ્યો પર હત્યાનો આરોપ લાગતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જોર પકડી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.