સુરત શહેરમાં થોડા દિવસ પહેલાં બે યુવકોનું અપહરણ કરીને તેમને પાર્ટી પ્લોટના ડોમના થાંભલા સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં અનિલ રાઠોડનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે, જ્યારે નીલેશ રાઠોડ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ માહિતી અનુસાર, આરોપી વિજય ઉર્ફે સોનું, અભિષેક, સુજીત, સુમીત, મહેન્દ્ર અને રાહુલે અનિલભાઈ રાઠોડ અને નીલેશ રાઠોડને બળજબરીથી અપહરણ કરીને પાર્ટી પ્લોટમાં લઈ જઈ થાંભલા સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ તેમના પર લાકડી કે પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા.
અનિલ રાઠોડને શરીરના નાજુક અંગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત થયું. નીલેશ રાઠોડની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે હરકતમાં આવીને મૃતકના પરિવારજનોની ફરિયાદ અને પ્રાથમિક પુરાવાઓના આધારે છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેમની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાથી વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે. આવા ગુનાઓ સમાજની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઊભો કરે છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.