સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે, જેની મહત્વની બેઠક યોજાઈ ચૂકી છે.
મળતી માહિતી અનુસાર, આ મહિનાના અંત સુધીમાં સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ પણ આ સમસ્યાના કાયમી ઉકેલમાં સીધો રસ દાખવ્યો છે.
જોકે, પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકપ્રતિનિધિઓને માહિતી આપવા માટે સરકારે સૂચના આપી છે. તે મુજબ, આગામી બુધવારે સુરતના ધારાસભ્યો અને સાંસદો સમક્ષ સમગ્ર રૂપરેખા રજૂ કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનો અને સુધારાઓને સમાવ્યા બાદ આખરી પ્લાન મુખ્યમંત્રી સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, હાલમાં ખાડીમાં મોટા પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો છે. તેથી પ્રથમ તબક્કામાં તાત્કાલિક ધોરણે ખાડીનું ડ્રેજિંગ કરવામાં આવશે. જ્યાં યોગ્ય જગ્યા ઉપલબ્ધ હશે ત્યાં ખાડીને પહોળી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ કવાયત અંતર્ગત સર્વે, કાંપની માત્રા, પાણીના પ્રવાહમાં અવરોધરૂપ વિસ્તારો અને જમીનની ઉપલબ્ધતાના આધારે તબક્કાવાર પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.
આ સમગ્ર પ્રોજેક્ટ ત્રણથી ચાર તબક્કામાં પૂર્ણ કરવાનું આયોજન છે. પ્રથમ તબક્કા માટે દિવાળી સુધીમાં તમામ વહીવટી અને આયોજનબદ્ધ તૈયારીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દિવાળી બાદ કોઈપણ વિલંબ વિના સ્થળ પર વાસ્તવિક કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ પગલાંથી આગામી વર્ષોમાં સુરતના નાગરિકોને ખાડીપૂરની સમસ્યામાંથી કાયમી રાહત મળવાની આશા છે.