સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન

સુરતના ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન

સુરત શહેરમાં આ ચોમાસા દરમિયાન ત્રણ વખત ખાડી પૂર આવ્યું, જેમાં હજારો પરિવારોએ ભારે નુકસાન વેઠ્યું. હવે સુરતીઓને આ મુશ્કેલીમાંથી કાયમી રાહત આપવા રાજ્ય સરકારે ઠોસ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલ, સંબંધિત વિભાગોના અધિકારીઓ અને નિષ્ણાત એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. ખાડી પૂરના કાયમી નિવારણ માટે ₹500 કરોડથી વધુના માસ્ટર પ્લાન પર વિગતવાર ચર્ચા થઈ. આ યોજનામાં પાણીના નિકાલ માર્ગને સરળ બનાવવા અને પૂરની તીવ્રતા ઘટાડવા ટૂંકા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સની રૂપરેખા તૈયાર કરાઈ છે.

ખાડીના કુદરતી પ્રવાહને રોકતા ઝીંગા તળાવો અને અન્ય ગેરકાયદે દબાણો દૂર કરવા તંત્રએ કડક નીતિ અપનાવી છે. આ તમામ દબાણો દૂર કરવા આગામી ડિસેમ્બર સુધીની આખરી મહેતલ આપવામાં આવી છે. ખજોદથી ઉપરના વિસ્તાર સુધી આ કામગીરી હાથ ધરાશે. ખાડીના પ્રવાહને યોગ્ય સ્વરૂપ આપવા સિંચાઈ વિભાગ, કલેક્ટર તંત્ર અને સુરત મહાનગરપાલિકા (SMC) સંયુક્ત રીતે કામ કરશે. આ ત્રિસ્તરીય સંકલનથી ખાડી માર્ગમાંના તમામ ગેરકાયદે બાંધકામો ઝડપથી હટાવવાનું નક્કી કરાયું છે.

આગામી રવિવારે સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં ખાડી વિસ્તારોની સીધી મુલાકાત યોજાશે. આ નિરીક્ષણમાં ધારાસભ્યો કુમાર કાનાણી, પ્રવીણ ઘોઘારી, સંગીતા પાટીલ, મેયર માયાબેન માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહેશે. ટીમ મીઠી ખાડી અને ભેદવાડ ખાડીના સાંકડા પટ, ગેરકાયદે દબાણો અને ડ્રેજિંગની જરૂરિયાતની સમીક્ષા કરશે, જેથી જમીની વાસ્તવિકતા મુજબ કામગીરી તાત્કાલિક શરૂ થઈ શકે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી ચોમાસું આવે તે પહેલાં ડ્રેજિંગ, દબાણો હટાવવા અને સાંકડા પટને પહોળો કરવાની કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ થાય છે. છેલ્લા ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાથી અબજો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. તેથી ₹22 કરોડના ડ્રેજિંગ પ્રોજેક્ટ સહિત ખાડી વિસ્તારોને ખુલ્લા કરવાના આ અભિયાન પર સુરતના હજારો પરિવારોની નજર છે. સમયમર્યાદામાં કામ પૂર્ણ થશે તો જ આગામી ચોમાસામાં સુરતને ખાડી પૂરમાંથી સાચી મુક્તિ મળશે.