સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. કતારગામ દરવાજા જેવા અત્યંત વ્યસ્ત અને મુખ્ય માર્ગ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ખુલ્લું હોવાથી મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. એક વાહન આ ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું.
આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફસાયેલા વાહનને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે વાહનમાં ભારે જનરેટર હોવાથી અને ટાયર ઊંડે સુધી ફસાઈ જતા કલાકોની ભારે મથામણ છતાં તેને બહાર કાઢી શકાયું ન હતું. પરિણામે, આખી રાત આ વાહન ગટર લાઈનમાં ફસાયેલી હાલતમાં જ રસ્તા વચ્ચે ઊભું રહ્યું હતું.
મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ જો કોઈ બાઈક સવાર કે નાનું વાહન આ ખુલ્લી ગટરમાં પડ્યું હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત. સવાર પડતાં જ મુખ્ય માર્ગ પર વાહન ફસાયેલું હોવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.
આ ઘટનાને પગલે કતારગામ ઝોનના અધિકારીઓ અને વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન તથા જાળવણીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, અનેકવાર રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓ આવી ખુલ્લી ગટરો કે તૂટેલા ઢાંકણાઓ તરફ આંખ આડા કાન કરે છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહમાં છે કે કેમ? આ પ્રશ્ન સામાન્ય લોકો પૂછી રહ્યા છે.