સુરતના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર આવેલા સી.એન.આઈ. ખ્રિસ્તી કબ્રસ્તાનમાં 3 નવેમ્બરની રાત્રે લોહીથી ખરડાયેલી બોરી મળી આવી હતી. બોરી ખોલતાં અંદર અંદાજે 35 વર્ષીય યુવકનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું. માથું ગાયબ હોવાથી પોલીસ માટે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.
ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીએસઆઈ જિતેન્દ્રસિંહ એન. ચૌહાણે સરકાર તરફથી ફરિયાદ નોંધાવી હતી. હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધાયો હતો. પીઆઈ એલ. આર. ગોહીલ અને સર્વેલન્સ પીએસઆઈ એન. એસ. સાકરિયાએ તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા અને આસપાસના CCTV કેમેરા તપાસવામાં આવ્યા હતા.
કબ્રસ્તાનની દીવાલ અંદરથી લગભગ છ ફૂટ ઊંચી દેખાતી હતી, પરંતુ બહાર રસ્તાની બાજુએ જમીનનું સ્તર ઊંચું હોવાથી દીવાલ માત્ર ચારથી પાંચ ફૂટ જેટલી હતી. આ ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને લાશ અંદર ફેંકવામાં આવી હોવાની શક્યતા તપાસમાં સામે આવી હતી.
CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસ રેલ રાહત કોલોનીના મકાન નંબર 70 સુધી પહોંચી હતી. ત્યાં રહેતા 54 વર્ષીય સચિત્રકુમાર નરેન્દ્ર બાલેની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી. સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રાયસીંગ કોટીયાભાઈ અને કોન્સ્ટેબલ ગોવિંદ માધાભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં સચિત્રકુમારે હત્યાની કબૂલાત કરી હતી. માથા વગરનું ધડ તેના સાથી કારીગર સંજયનું હોવાનું બહાર આવ્યું હતું. સંજય કતારગામ જીઆઈડીસીના પુરણબાગ વિસ્તારમાં આવેલા સંચા ખાતામાં બાઈન્ડિંગનું કામ કરતો હતો અને 24 કલાક ત્યાં જ રહેતો હતો. કારખાનાના માલિકે કારીગરોના હિસાબની નોટબુક તેની પાસે સોંપી હતી. સચિત્ર ટેસ્ટિંગ કારીગર તરીકે કામ કરતો હતો.
સંજયનો પગાર પોતાના કરતાં વધુ થતો જોઈને સચિત્રકુમારના મનમાં શંકા ઊભી થઈ હતી કે સંજય તેના મહેનતાણામાંથી રોજના ₹160 દબાવી લે છે. આ શંકાએ સાત મહિનામાં ગંભીર અદાવતનું સ્વરૂપ ધારણ કર્યું હતું. અંદાજે ₹25 હજારથી ₹30 હજારની રકમના વહેમે સચિત્રના મનમાં બદલો લેવાની ભાવના જન્માવી હતી. કોઈ મોટી દુશ્મની કે ગેંગવોર નહીં, પરંતુ માત્ર હિસાબી શંકાએ હત્યાનું ભયાનક રૂપ ધારણ કર્યું હતું.
1 નવેમ્બરની બપોરે સચિત્રકુમાર સંજયને વિશ્વાસમાં લઈને રેલ રાહત કોલોની સ્થિત પોતાના ઘરે લઈ આવ્યો હતો. વાતચીત દરમિયાન મામલો બિચકતાં તેણે ઘરમાં પડેલું ધારદાર દાતરડું ઉગામ્યું અને સંજયના ગળા પર જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. આ ઘાતકી હુમલામાં સંજયનું મોત થયું હતું. હત્યા બાદ લોહીથી લથપથ લાશ સામે આરોપી કલાકો સુધી બેસી રહ્યો હતો અને મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તેની યોજના ઘડતો રહ્યો હતો.
મોડી રાત્રે અંધારાનો લાભ લઈને સચિત્રકુમારે સંજયના મૃતદેહને કોથળામાં ભરી દીધો હતો. ઘરથી આશરે 100થી 150 મીટર દૂર આવેલા કબ્રસ્તાન સુધી લાશ ખેંચી લઈ ગયો હતો. રસ્તાની બાજુએ દીવાલની ઊંચાઈ ઓછી હોવાથી કોથળાને દીવાલ ઓળંગાવી અંદર ફેંકી દીધો હતો. તેને લાગ્યું હતું કે લાશ મળી આવશે તો પણ તેની ઓળખ અને હત્યારા સુધી પહોંચવું મુશ્કેલ બનશે.
પકડાવાના ડરે સચિત્રકુમાર 3 નવેમ્બરની રાત્રે ફરી કબ્રસ્તાન પહોંચ્યો હતો અને મૃતદેહનું માથું ધડથી અલગ કરી દીધું હતું. મૃતકની ઓળખ ભૂંસી નાખવા માથું રેલવે ટ્રેક પર ફેંકી દીધું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં માથું અને આરોપીને શોધી કાઢ્યા હતા. હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ ચાલુ છે.