સુરતના કતારગામ વિસ્તારના લીંબાચિયા ફળિયામાં એક બિલ્ડિંગની સીડી અચાનક તૂટી પડતાં 28 લોકો બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. બિલ્ડિંગની બી વિંગની સીડી ધરાશાયી થતાં રહેવાસીઓ બહાર નીકળી શકે તેવો રસ્તો બંધ થઈ ગયો હતો. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં કતારગામ-ડભોલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની ટીમોએ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ બનાવીને લોકોને એક તરફથી બીજી તરફ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
ઘટના સમયે અંધારું થઈ ગયું હતું અને લાઈટનો પણ અભાવ હતો. તેમ છતાં ફાયર વિભાગના જવાનો અને બચાવ કર્મચારીઓએ રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખી હતી. એક બાદ એક લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બિલ્ડિંગમાં ફસાયેલા અશક્ત લોકોને બહાર કાઢવા માટે ખાટલાની મદદ લેવામાં આવી હતી. બચાવ કર્મચારીઓએ અશક્ત લોકોને ખાટલા મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈ વ્યક્તિ બિલ્ડિંગમાં ઉપર ફસાઈ ન જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી.