સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના કાપોદ્રામાં 500 રૂપિયાના ઝઘડા પર કારખાના બંધની અફવા, પોલીસે કહ્યું- પરિસ્થિતિ નિયંત્રણમાં

સુરતના કાપોદ્રામાં 500 રૂપિયાના ઝઘડા પર કારખાના બંધની અફવા, પોલીસે કહ્યું- પરિસ્થિતિ નિયંત્રણમાં

સુરતના કાપોદ્રા ઔદ્યોગિક વિસ્તારમાં કારીગરોના બે જૂથ વચ્ચે 500 રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો ઉગ્ર બનતાં બંને જૂથો વચ્ચે મારામારી સુધી વાત પહોંચી હતી. આ ઘટના રવિવારે બની હોવાનું મળતી માહિતીમાં જણાય છે.

આ સામાન્ય ઝઘડા બાદ વિસ્તારમાં એવી અફવા ફેલાઈ કે રવિવારની રજાના વિવાદને લઈને એમ્બ્રોડરીના તમામ કારખાનાં બળજબરીથી બંધ કરાવવામાં આવી રહ્યાં છે. આ અફવાને કારણે ડરનો માહો ઊભો થયો હતો અને ઘટનાસ્થળ તથા આસપાસનાં ઘણાં કારખાનાં સ્વયં કે અફવાના ડરે બંધ થઈ ગયાં હતાં.

અફવા ફેલાતાં મોટી સંખ્યામાં ખાતાધારકો અને કારીગરો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મામલાની ગંભીરતા જોઈને સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને તથ્યો જાણ્યાં હતાં.

પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાને કોઈ પણ શ્રમિક આંદોલન કે મોટા વિવાદ સાથે લેવાદેવા નથી. આ માત્ર સામાન્ય આર્થિક લેતી-દેતીનો ઝઘડો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ જણાવ્યું કે રજાના વિવાદ અંગેની માત્ર અફવા ફેલાઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.