સુરતના અમરોલી-છાપરાભાઠા રોડ પર રહેતા રત્નકલાકાર ગુંજન સાગઠીયાએ ગત 7 સપ્ટેમ્બરે છાયા દેવજી ભીમસુરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છાયાના પરિવારને આ લગ્ન પસંદ ન હોવાથી તેના પિતા દેવજી ભીમસુરીયા અને માતા પાસુબેન ભીમસુરીયાએ ગુંજન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો.
સોમવારે સવારે 8 વાગ્યે ગુંજન રોજિંદી મુજબ વરાછા મીનીબજાર ખાતે સુરેશના કારખાનામાં કામ પર ગયો હતો. ત્યારબાદ સવારે 8:30 વાગ્યાના અરસામાં દેવજી અને પાસુબેન ગુંજનના ઘરે ધસી આવ્યા અને છાયાને તેની નણંદ રૂષિતાની હાજરીમાં જબરજસ્તી કારમાં બેસાડીને લઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ગુંજન ઘરે દોડી આવ્યો હતો અને અમરોલી પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા વિરુદ્ધ પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.