સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકે ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને 9 કેરેટ ગોલ્ડની વીંટી અને 92.5% સ્ટર્લિંગ સિલ્વરના નામે દાગીના ખરીદ્યા, પરંતુ લેબ ટેસ્ટમાં બંનેમાં ભેળસેળ સામે આવી છે. 9 કેરેટ સોના તરીકે વેચાયેલી વીંટીમાં 1 કેરેટ પણ સોનું મળ્યું નથી.
યોગીચોક વિસ્તારની પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઈડરી ડિઝાઈનર તરીકે કામ કરતા 19 વર્ષીય જસ્મીન ભદ્રેશભાઈ કથીરીયાએ સોશિયલ મીડિયા પર કાપોદ્રા ચાર રસ્તા પાસે લાભધર્મ કોમ્પ્લેક્સમાં આવેલી સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સની ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ હતી. રીલથી આકર્ષાઈને તે 22 જુલાઈના રોજ શો-રૂમ ગયો હતો, જ્યાં સેલ્સમેને 9 કેરેટની ગોલ્ડની વીંટી બતાવી હતી. જસ્મીને રૂ. 3,296 ચૂકવીને બિલ નંબર 275 સાથે 3.69 ગ્રામની વીંટી ખરીદી હતી.
ત્યારબાદ 31 જુલાઈના રોજ તેણે આ જ શો-રૂમમાંથી રૂ. 92,700 ચૂકવીને 92.5 સ્ટર્લિંગ સિલ્વરનો 365.800 ગ્રામ વજન ધરાવતો કંદોરો ખરીદ્યો હતો. દાગીનાના વજન અને ગુણવત્તા અંગે શંકા જતાં યુવકે માતાવાડી વિસ્તારમાં આવેલા સાંઈનાથ હોલમાર્કિંગ સેન્ટર તથા સુરત હોલમાર્કિંગ સેન્ટરમાં બંને ઘરેણાંની લેબોરેટરી તપાસ કરાવી હતી.
તપાસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. 9 કેરેટ સોના તરીકે વેચાયેલી વાઈટ ગોલ્ડ રિંગમાં 1 કેરેટ પણ સોનું નહોતું અને તે વાસ્તવમાં 85%થી 91% ગુણવત્તાવાળી ચાંદી નીકળી હતી. જ્યારે 92.5% શુદ્ધતાના નામે વેચાયેલા કંદોરામાં માત્ર 51% જેટલી જ ચાંદી નીકળી હતી અને તેમાં 41% જેટલી હલકી ધાતુઓની મિલાવટ સામે આવી હતી.
આટલું જ નહીં, જ્વેલર્સે કંદોરામાં જડેલા સ્ટોન અને ડાયમંડનું વજન પણ નેટ સિલ્વર વજનમાં ગણી લીધું હતું અને ગ્રાહક પાસેથી 100% શુદ્ધ ચાંદીના હિસાબે પ્રતિ ગ્રામ રૂ. 226 લેખે ભાવ વસૂલ્યો હતો. વધુમાં વેપારી દ્વારા આપવામાં આવેલા બિલોમાં પણ ખરીદીની વાસ્તવિક તારીખોને બદલે અલગ-અલગ દિવસોની ખરીદી હોવા છતાં ખોટી તારીખો દર્શાવવામાં આવી હતી.
સમગ્ર છેતરપિંડી સામે આવ્યા બાદ યુવકે વરાછા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે વરાછા પોલીસે મોટા વરાછા ખાતે રહેતા સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સના સંચાલક જિગર ઘનજીભાઈ માણિયા સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આરોપી જિગર માણિયા રીલ્સ બનાવી ગ્રાહકોને લલચાવતો હતો કે, 9 કેરેટ (9K) સોનામાં મંગળસૂત્ર, હાર, બ્રેસલેટ, નેકલેસ, ઘડિયાળ અને વીંટી જેવી કોઈપણ પ્રકારની જ્વેલરી બનાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. ગ્રાહકો પોતાની મનપસંદ 22 કેરેટની ડિઝાઇન મોકલીને તેને 9 કેરેટમાં કસ્ટમાઇઝ કરાવી શકે છે, જેનાથી અંદાજે રૂ. 10 લાખમાં બનતી સોનાની આઇટમ માત્ર રૂ. 5 લાખ જેવી અડધી કિંમતમાં તૈયાર થઈ શકે છે.
ભોગ બનનાર જસ્મીન કથીરીયાએ આગામી તહેવારો અને લગ્નની સીઝનને ધ્યાને રાખીને અન્ય કોઈ ગ્રાહક આવી છેતરપિંડીનો ભોગ ન બને તે માટે લોકોને સોશિયલ મીડિયાની રીલ્સથી ભરમાઈને ન જવા અને જૂના તથા વિશ્વસનીય જ્વેલર્સમાંથી જ સોના-ચાંદીના ઘરેણા ખરીદવાની અપીલ કરી છે.