સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર, રાંદેરમાં ફરિયાદ

સુરત: જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર, રાંદેરમાં ફરિયાદ

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં રિમાન્ડ પર રહેલો 21 વર્ષીય આરોપી પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ (રહે. વેડરોડ, સુરત) ફરાર થઈ ગયો છે. 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચેના માત્ર ચાર મિનિટના ગાળામાં તે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો.

પ્રાથમિક ફરિયાદ મુજબ, પ્રદીપ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ હતો. વહેલી સવારે તેણે કોઈક રીતે લોકઅપનો દરવાજો ખોલ્યો અને પોલીસકર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો. આ ઘટનાથી પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યા છે કે જે પોલીસ કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી ધરાવે છે તે પોતાના જ પોલીસ સ્ટેશનમાં આરોપીને સાચવી શકતી નથી.

પ્રદીપ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો છે. તેની સામે લૂંટ, લૂંટ દરમિયાન ઈજા પહોંચાડવી, જીવલેણ હથિયારનો ઉપયોગ કરીને લૂંટ અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ અને સહિયારા ઈરાદાથી ગુનો આચરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. આ ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાના ભંગની કલમ પણ લગાવવામાં આવી હતી.

આરોપી કાયદેસરની પોલીસ કસ્ટડીમાંથી નાસી જતાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ASI અરવિંદભાઈ સોમાભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પ્રદીપ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 262 હેઠળ નવો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ PSI પી.જી. ગોહિલને સોંપવામાં આવી છે.

પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાંથી આરોપી કેવી રીતે નાસી છૂટ્યો અને તેમાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ, તે તપાસનો વિષય છે.