સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતની ખુલ્લી ગટરમાં 9 મહિનાની બાળકી પડતાં મોત, પરિવારમાં આક્રંદ

સુરતની ખુલ્લી ગટરમાં 9 મહિનાની બાળકી પડતાં મોત, પરિવારમાં આક્રંદ

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાધિકા પ્રિન્ટિંગ મિલમાં બોઈલર વિભાગની નજીક આવેલી ખુલ્લી ગટરમાં પડી જતાં 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટના 11 ઓક્ટોબરના રોજ બની હતી.

મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના વતની અને હાલ સુરતમાં રહેતા બુદ્ધવિલાસ નામના શ્રમિકે જણાવ્યું કે, તેઓ રાધિકા પ્રિન્ટિંગ મિલમાં બોઈલર વિભાગમાં કામ કરે છે અને પરિવાર સાથે મિલ પરિસરમાં જ રહે છે. સવારે 5 વાગ્યે તેમની 9 મહિનાની દીકરી અન્ય બાળકો સાથે જાગી હતી. અન્ય બાળકો મોબાઈલ જોવામાં મશગૂલ હતા, તેથી તેમને લાગ્યું કે બાળકી પણ ત્યાં જ બેઠી હશે. તેઓ પોતાના કામે લાગી ગયા. થોડી વાર બાદ બાળકી ન દેખાતાં શોધખોળ શરૂ કરી.

બાળકી ઘૂંટણભેર રમતી વખતે નજીકમાં આવેલી ગટરમાં પડી ગઈ હતી. આ ગટર આંશિક રીતે ઢાંકેલી હતી, પરંતુ વચ્ચેની જગ્યા ખુલ્લી રહી ગઈ હતી. આશરે 10થી 15 મિનિટ સુધી શોધખોળ કર્યા બાદ બાળકી ગટરમાંથી મળી આવી હતી. તાત્કાલિક તેને બહાર કાઢવામાં આવી, પરંતુ કમનસીબે તેનો જીવ બચી શક્યો નહોતો.

મૃતક બાળકી પરિવારમાં સૌથી નાની હતી. પરિવારમાં કુલ ચાર બાળકો છે, જેમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મિલ પરિસરમાં ગટર ખુલ્લી રાખવા બદલ પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 10 ઓક્ટોબરે અમદાવાદમાં 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી હતી. તે ઘટના બાદ આજે સુરતમાં આ ઘટના બની છે, જે ખુલ્લી ગટરોની સમસ્યા તરફ ધ્યાન દોરે છે.