સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં શનિવારે રાત્રે ભોજન બાદ અંદાજે 100 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ઝાડા-ઉલટીની ફરિયાદ બાદ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સંસ્થાના એડમિનિસ્ટ્રેટર સપન શ્રોફે જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા 2,000 વિદ્યાર્થીઓ અને 450 સ્ટાફમાંથી 80થી 100 વિદ્યાર્થીઓને તબિયત લથડી હતી.
ઘટના શનિવારે રાત્રે 11થી 11:30 વાગ્યા આસપાસ શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓને રાત્રિભોજનમાં પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ પીરસવામાં આવ્યું હતું. તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને રાતોરાત સારવાર આપવામાં આવી. સારવાર બાદ તમામને શાળાની બસમાં સ્ટાફ અને રેક્ટરોની હાજરીમાં સુરક્ષિત રીતે હોસ્ટેલ પરત લાવવામાં આવ્યા હતા. હાલ તમામ વિદ્યાર્થીઓ સ્વસ્થ છે અને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી.
ઘટનાની જાણ થતાં વાલીઓ હોસ્ટેલ પર દોડી આવ્યા હતા. એક વાલીએ જણાવ્યું કે શનિવારે સાંજે તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે હોસ્ટેલમાંથી 4થી 5 બસ ભરીને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે, કારણ કે તમામને ઝાડા-ઉલટીની તકલીફ થઈ હતી. તેમણે ઉમેર્યું કે તેમની દીકરીએ ઓછું જમ્યું હોવાથી પહેલા કોઈ તકલીફ નહોતી, પરંતુ બીજા દિવસે સવારે તેને પણ બે વાર ઉલટી થઈ હતી.
હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે 600થી 800 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને કુલ સંખ્યા 800થી 1,200 સુધીની હોઈ શકે છે. જોકે, સંસ્થાએ 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો સ્વીકાર કર્યો છે.
સંસ્થાએ હોસ્ટેલના ભોજનને કારણે તબિયત લથડી હોવાનો ઇનકાર કર્યો છે. શિક્ષક ગૌરવ યાદવે જણાવ્યું કે સંસ્થામાં ગણેશ આગમનનો તહેવાર હોવાથી અને કેટલાક વિદ્યાર્થીઓ બહારથી આવ-જા કરતા હોવાથી, સંભવ છે કે બહારથી લાવેલો પ્રસાદ કે મીઠાઈ ખાવાથી અમુક બાળકોને તકલીફ થઈ હોય. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ગણપતિના પ્રસાદ પર સીધો આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ શક્યતાઓની તપાસ થઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પી.પી. સવાણી સંસ્થા છેલ્લા 21થી 23 વર્ષથી ચાલે છે અને આ સમયગાળામાં ક્યારેય આવી ઘટના બની નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ (DEO)ને જાણ કરી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ની ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. ગઈકાલના ભોજન—છાશ, વઘારેલો ભાત, રોટલી અને પનીર-મટરનું શાક—ના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે. ફૂડ પોઈઝનિંગ છે કે અન્ય કોઈ કારણ, તે લેબ રિપોર્ટ આવ્યા પછી (લગભગ 4થી 5 દિવસમાં) સ્પષ્ટ થશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ગુજરાતની હોસ્ટેલોમાં સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવશે.