સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડાદરા બીઆરટીએસ રોડ પર સાંઈ માર્બલ સામે એક અજાણ્યા ઝડપી વાહને વોકિંગ કરતાં નિવૃત્ત વૃદ્ધ ભાઈદાસ નાગરાલેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૂળ મહારાષ્ટ્રના વતની ભાઈદાસ નાગરાલે દરરોજની જેમ વોકિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધને સારવાર મળે તે પહેલાં જ તેમણે પ્રાણ ગુમાવ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. શહેરમાં વધતા જતા બેફામ વાહનવ્યવહાર અને હિટ એન્ડ રનના બનાવો સામે કડક પોલીસ કાર્યવાહી અને સીસીટીવી તપાસની જરૂરિયાત ઉભી થઈ છે.