સુરતમાં આજે (20 સપ્ટેમ્બર) હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશ આંશિક વાદળછાયું હોવા છતાં વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય બફારો હતો. સૂર્યનારાયણના આકરા તાપ અને ભેજવાળા પવનોને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે, બપોરના સમયે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. પવનની ગતિ તેજ થતાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. રિંગ રોડ, મજુરા ગેટ, અઠવાલાઈન્સ, અડાજણ, પાલ, વરાછા, કતારગામ, ઉધના અને રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
આશરે 15થી 20 મિનિટ સુધી વરસેલા આ વરસાદે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરાવી દીધી. જોરદાર ઝાપટાંને કારણે રસ્તાઓ ભીંજાયા અને વાતાવરણ ખુશનુમા બની ગયું. વરસાદનું જોર લગભગ વીસ મિનિટ રહ્યું હોવાથી ક્યાંય પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નથી, જેથી વાહનવ્યવહાર સામાન્ય રીતે ચાલુ રહ્યો અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
ટૂંકા ગાળાના આ ધોધમાર વરસાદે સુરતીઓને સવારથી અનુભવાતા અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત આપી છે. વરસાદ રોકાયા બાદ પણ આકાશમાં કાળા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી કલાકોમાં ફરી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સમગ્ર સુરતનું વાતાવરણ હાલ આહલાદક અને શીતળ બની ગયું છે.