સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, હત્યાની આશંકા

સુરતમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, હત્યાની આશંકા

સુરતના કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને 3 નવેમ્બરની રાત્રે કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે કબ્રસ્તાનમાં કોઈનો મૃતદેહ પડ્યો છે. તરત જ કતારગામ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘટનાસ્થળે જતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા, કારણ કે મૃતદેહમાંથી માથું ગાયબ હતું અને શરીર પર કોઈ કપડાં નહોતાં. પ્રાથમિક દ્રષ્ટિએ આ ક્રૂર હત્યાનો મામલો લાગે છે. અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરીને પુરાવા છુપાવવા અથવા ઓળખ છુપાવવા માટે માથું કાપીને ક્યાંક ફેંકી દીધું હોવાની આશંકા છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા આશરે બે દિવસ પહેલાં કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે પંચનામું કરીને મોડી રાત્રે ધડને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ અને સમય સ્પષ્ટ થશે.

હાલ કતારગામ પોલીસ સામે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે. આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુમ થયેલા લોકોની યાદી મંગાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ કબ્રસ્તાન અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસીને કાપી નાખવામાં આવેલું માથું ક્યાં ફેંકાયું છે અને આરોપીઓ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.