સુરતમાં ચંદી પડવાના પર્વ પર ઘારીની ખાસ માગ રહે છે. આ વર્ષે સોનાના ભાવમાં થયેલા વધારાની સીધી અસર સુરતની પ્રખ્યાત 'ગોલ્ડ ઘારી' પર જોવા મળી રહી છે. ગોલ્ડ ઘારીના ભાવમાં આ વર્ષે રૂ. 5,000નો વધારો થયો છે. ગત વર્ષે આ ઘારીનો ભાવ રૂ. 16,000 પ્રતિ કિલો હતો, જે આ વર્ષે વધીને રૂ. 21,000 પ્રતિ કિલો થયો છે.
ભાવમાં વધારો થયો હોવા છતાં મીઠાઈ પ્રેમીઓમાં ગોલ્ડ ઘારીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાંથી ઓર્ડર મળી રહ્યા છે અને લોકો અગાઉથી બુકિંગ કરાવી રહ્યા છે. 26 ઓક્ટોબરે ચંદી પડવાના દિવસે સુરતમાં ઘારી ખાવાનું વિશેષ મહત્વ છે. લોકો પરિવાર અને મહેમાનો માટે આ સ્પેશિયલ ઘારી ખરીદે છે.
રાધા મીઠાઈવાલાના સંચાલક રાધાબેને જણાવ્યું કે, ગોલ્ડ ઘારી શુદ્ધ ઘીમાં તૈયાર થાય છે. તેમાં ઊંચી ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ્સ અને ખાસ મસાલા ઉમેરવામાં આવે છે. કેસર ઘારીમાં અસલ કેસર, પિસ્તા અને બદામનો ઉપયોગ થાય છે. આ ઘારી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બની રહે છે.
પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ સ્વાસ્થ્ય માટે સુવર્ણ ભસ્મનું સેવન કરતા હતા. આ પરંપરાને હવે મીઠાઈના રૂપમાં રજૂ કરવામાં આવી છે. રાધાબેને કહ્યું કે, અમે સ્વીટમાં ગોલ્ડ વરખ ઉમેરીને આ પરંપરા જાળવી રાખી છે. થોડી માત્રામાં ગોલ્ડ સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે.
ગોલ્ડ ઘારીની માગ માત્ર સુરત કે ગુજરાત પૂરતી નથી, પરંતુ અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ છે. ઓનલાઈન માધ્યમથી લોકો દૂર-દૂરથી આ ઘારી મંગાવે છે. ભાવ વધારા અંગે રાધાબેને જણાવ્યું કે, સોનાના ભાવ વધતાં વરખના ભાવમાં પણ વધારો થયો છે, જેની અસર ઘારીના ભાવ પર પડી છે.