સુરતના વરાછા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-6ની 11 વર્ષીય વિદ્યાર્થિની રોલીએ મોબાઈલ ફોન ન મળતાં આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ગઈકાલે બપોરે બની હતી, જ્યારે રોલીની માતા તેને કામ પર લઈ ગઈ હતી અને ફોન આપવાનો ઇનકાર કર્યો હતો.
વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતી રોલીને મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ હતી. ઘટનાના દિવસે તેણે માતા પાસે મોબાઈલની માગણી કરી, પરંતુ માતાએ ના પાડી દીધી અને તેને પોતાની સાથે કામ પર લઈ ગઈ. આ વાતનું મનમાં માઠું લગાવીને રોલીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના વતની વિજયભાઈ કુષ્વાહ સુરતમાં પરિવાર સાથે રહે છે અને કડિયાકામ કરે છે. તેમની પત્ની પણ પરિવારને ટેકો આપવા હોટ ફિક્સના ખાતામાં મજૂરી કામે જાય છે. રોલી વતનમાં ધોરણ-5 સુધી ભણી હતી અને હાલ સુરતમાં ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.
બપોરના સમયે માતા પુત્રીને લઈને કામ પર ગઈ હતી, ત્યારે રોલીની બે નાની બહેનો ઘરની બહાર ઓટલા પર રમી રહી હતી. આ દરમિયાન રોલીએ અંદરથી દરવાજો બંધ કરીને કપડાં સૂકવવાની દોરી સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો. થોડીવાર પછી નાની બહેનોને ભૂખ લાગતાં તેમણે દરવાજો ખખડાવ્યો, પરંતુ દરવાજો ન ખૂલતાં તેઓ રડવા લાગી.
માતા કામ પરથી પરત ઘરે પહોંચતાં બાળકીઓને રડતી જોઈ અને પડોશીઓની મદદથી દરવાજો ખોલ્યો, ત્યારે રોલી ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના બાળકોમાં મોબાઈલની લત કેટલી ખતરનાક બની ગઈ છે તેનો સંકેત આપે છે.
નવી સિવિલના માનસિક રોગ વિભાગના સહપ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું કે, કિશોરાવસ્થામાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ડિપ્રેશન, ચિંતારોગ અને ADHD જેવી બીમારીઓ વધવાને કારણે બાળકો આવેગાત્મક પગલાં ભરી લે છે. સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિએશનથી મગજના કોષોને નુકસાન થાય છે અને ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચતો નથી. દરરોજ 50 મિનિટ સતત મોબાઇલ વાપરવાથી મગજને નુકસાન થાય છે અને કેન્સરનું જોખમ પણ રહે છે.
ડો. દવેએ જણાવ્યું કે, 1.25 થી 3 વર્ષ સુધીના બાળકોને મોબાઇલથી દૂર રાખવા જોઈએ. બાળકોનું શેડ્યૂલ બનાવો અને ઈ-ગેજેટ્સ કે ટીવી જોવા માટે 1-2 કલાક નક્કી કરો. તેઓ શું કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેના પર નજર રાખો. જો બાળક ન માને તો ડિજિટલ ડિટોક્સની જરૂર છે. માતાપિતાએ પોતે પહેલા ડિજિટલ ડિટોક્સ થવું જોઈએ અને બાળકોને ડિજિટલ સંસ્કાર આપવા જોઈએ.