સુરતની રાંદેની વિસ્તારમાં રહેતી માયા ગુપ્તાએ સતત ૩૬૫ દિવસ સુધી રોજ એક નેક કાર્ય કરવાનો પડકાર લીધો હતો. ગરીબ અને અનાથ બાળકોને ગરમ ભોજન, નાસ્તો, સ્કૂલ બેગ, પુસ્તકો અને રમકડાં પહોંચાડતી માયાએ આ કામ પોતાની બચતમાંથી કર્યું હતું. તે ભાડાના ઘરમાં રહે છે અને તેનો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થાય છે. તેના પિતા શાકભાજી વેચે છે અને માતા બહારથી શાકભાજી લાવે છે.
માયા સોશિયલ મીડિયા પર 'માયા ફોર બિસ્ટ' (@mayaforbeast) નામથી ખાતું ચલાવે છે. તે મિસ્ટર બિસ્ટ (MrBeast)ના વીડિયો જોઈને પ્રભાવિત થઈ હતી અને તેમને મળવાનું સ્વપ્ન જોતી હતી. તેણે પોતાના સેવાકાર્યના વીડિયો બનાવીને મિસ્ટર બિસ્ટને ટેગ કરી વિનંતી કરી હતી કે એક દિવસ તેમનો પ્રયાસ જોઈને જવાબ આપે.
માયાની સાતત્યતા અને નેક દિલથી પ્રભાવિત થઈને વિશ્વના નંબર-૧ યુટ્યુબર મિસ્ટર બિસ્ટે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ખાસ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. દેશના એક મેટ્રો સિટીમાં બન્નેનું મિલન થયું. મિસ્ટર બિસ્ટને મળતાં જ માયા ભાવુક થઈ ગઈ અને હાથ જોડીને રડી પડી. મિસ્ટર બિસ્ટે તેને ગળે લગાવીને પ્રોત્સાહન આપ્યું અને સેવાકાર્ય આગળ વધારવા ૧૦,૦૦૦ અમેરિકન ડૉલર (આશરે રૂ. ૮.૫ લાખ) ભેટ આપ્યા. તેમણે માયા સાથે રીલ શૂટ કરીને સોશિયલ મીડિયા પર પણ મૂકી.
માયાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં કહ્યું, "મારા મનમાં બધી તકલીફો, સંઘર્ષો અને પરિસ્થિતિઓ તેમને કહેવાની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ તેમને પ્રત્યક્ષ જોતાં જ મગજમાંથી બધું ગાયબ થઈ ગયું અને હું તેમને જોતી જ રહી ગઈ."
મિસ્ટર બિસ્ટ તરફથી મળેલી રકમ અંગે માયાએ જણાવ્યું કે તે આ રૂપિયાનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ બાળકો, વડીલો અને સમાજના અસહાય-જરૂરિયાતમંદ લોકોની મદદ માટે જ કરશે. તેમણે કહ્યું, "મારી આ સેવાકીય યાત્રા અહીં અટકવાની નથી. હું ખૂબ જ જલદી દર્શકો માટે એક નવો અને અત્યંત મોટો પડકાર લઈને આવી રહી છું."
માયા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. ભાડાના મકાનમાં રહેતા તેના પરિવારનું ગુજરાન માતા-પિતાની મહેનત પર નિર્ભર છે. આર્થિક તંગી છતાં તેમના પરિવારમાં પ્રેમ અને સાથ જળવાઈ રહ્યો છે. માયા કહે છે કે તે જે કંઈ કરી શકી છે તેમાં તેના માતા-પિતાનો મોટો ફાળો છે. તેમના સહયોગ અને પ્રોત્સાહનથી જ તે મિસ્ટર બિસ્ટ જેવા વૈશ્વિક યુટ્યુબર સુધી પહોંચી છે.