સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ચંદી પડવે કરોડોની ઘારી, ભાવ વધ્યા છતાં જોશ યથાવત્

સુરતમાં ચંદી પડવે કરોડોની ઘારી, ભાવ વધ્યા છતાં જોશ યથાવત્

સુરતમાં ચંદી પડવાના પવિત્ર તહેવારે આ વર્ષે પણ કરોડો રૂપિયાની ઘારી ખવાશે. મોંઘવારીને કારણે ઘારીના ભાવમાં પ્રતિ કિલો 100થી 150 રૂપિયાનો વધારો થયો છે. ડ્રાયફ્રૂટ્સ, માવો અને શુદ્ધ ઘીના ભાવ વધતાં પરંપરાગત ઘારીનું વેચાણ વધુ રહેવાનું અનુમાન છે. તાત્યા ટોપેના સમયથી શરૂ થયેલી આ પરંપરામાં આ વર્ષે Gen-Z અને જંતર-મંતર ઘારી આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરતીઓ માટે ચંદી પડવાનો તહેવાર માત્ર એક તહેવાર નહીં, પણ ખાણીપીણીનો મહાઉત્સવ છે. આ વર્ષે પણ સુરતીઓ આ ઉત્સવમાં કરોડો રૂપિયાની ઘારી ખાશે. જોકે, મોંઘવારીની અસર ઘારીના ભાવો પર સ્પષ્ટ વર્તાઈ રહી છે. ડ્રાયફ્રૂટ્સ, માવો અને શુદ્ધ ઘીના ભાવમાં વધારાના કારણે ઘારીના ભાવમાં પ્રતિ કિલો આશરે 100થી 150 રૂપિયા સુધીનો વધારો થયો છે. જેના કારણે ટ્રેન્ડી ઘારી કરતાં પરંપરાગત અને સાદી ઘારીનું વેચાણ વધુ રહેવાનું અનુમાન છે.

સુરતી ઘારીની વિશેષતા તેનો અદ્ભુત સ્વાદ અને બનાવવાની પરંપરાગત રીત છે. સૌપ્રથમ શુદ્ધ દૂધને કઢાઈમાં ઉકાળીને ઘટ્ટ માવો (ખોયા) તૈયાર કરવામાં આવે છે. આ માવામાં કાજુ, બદામ, પિસ્તા, ચરોળી, સુગંધિત મસાલા અને કેસરનું મિશ્રણ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મેંદાના લોટમાં ઘીનું મોણ નાખીને લોટ બાંધવામાં આવે છે અને તેની નાની રોટલી બનાવી તેમાં માવા-ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ ભરીને ગોળ આકાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા પછી ઘારીને શુદ્ધ દેશી ઘીમાં તળવામાં આવે છે અને બહાર કાઢ્યા બાદ તેના પર ભરપૂર માત્રામાં શુદ્ધ ઘી અને માવાની પરત ચઢાવવામાં આવે છે, જે તેને ભારે અને રસદાર બનાવે છે.

ઘારી ખાવાની આ પરંપરાનો ઇતિહાસ સ્વાતંત્ર્ય સંગ્રામ અને ક્રાંતિવીર તાત્યા ટોપે સાથે જોડાયેલો છે. લોકવાયકા મુજબ, 1857ના સંગ્રામ વખતે ક્રાંતિવીર તાત્યા ટોપે વિજય મેળવ્યા બાદ સુરત આવ્યા હતા, ત્યારે તેમના સ્વાગત માટે અને સૈનિકોને યુદ્ધમાં શરીરને ફરી તાકાત મળે તે માટે દૂધના માવા, ઘી, બદામ, પિસ્તા અને કેસરથી આ ખાસ શક્તિવર્ધક મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી, જે આજે 'સુરતી ઘારી' તરીકે ઓળખાય છે.

ચંદી પડવા કે શિયાળામાં જ ઘારી કેમ ખવાય છે? ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શિયાળાની ઋતુની શરૂઆત થાય છે. શિયાળામાં શરીરને વધુ કેલરી અને સ્ટેમિનાની જરૂર પડે છે. શુદ્ધ ઘી, માવો, બદામ, પિસ્તા અને કેસરથી ભરપૂર ઘારી ખાવાથી શરીરને ગરમાવો અને ભરપૂર તાકાત મળે છે. શરદ પૂર્તિ કે ચંદી પડવા એ ઋતુ બદલાવનો સમય છે. આ દિવસે ચંદ્રની ચાંદનીમાં રાખેલી ઘારી ખાવાનું વિશેષ આયુર્વેદિક અને ધાર્મિક મહત્વ માનવામાં આવે છે, જે શરીરના પિત્ત અને વાયુના રોગો દૂર કરવામાં મદદરૂપ બને છે.

આ વર્ષે ડ્રાયફ્રૂટ્સ, શુદ્ધ ઘી અને માવાના ભાવોમાં વધારાના કારણે ઘારીના ભાવમાં પ્રતિ કિલો આશરે 100થી 150 રૂપિયાનો વધારો થયો છે. બજારમાં સામાન્ય માવા ઘારીનો ભાવ પ્રતિ કિલો રૂ. 900 આસપાસ પહોંચ્યો છે, જ્યારે કેસર, બદામ-પિસ્તા જેવી સ્પેશિયલ ઘારી રૂ. 1000થી 1300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

મોંઘવારી છતાં સુરતી ઘારીની લોકપ્રિયતા માત્ર સ્થાનિક સ્તરે સીમિત નથી, પણ વિદેશો સુધી પહોંચી છે. રોજગાર કે વ્યવસાય અર્થે વિદેશ કે અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા મૂળ સુરતીઓ માટે ચંદી પડવે ઘારી મંગાવવી એ એક લાગણી સમાન છે. આ કારણે સ્થાનિક બજાર ઉપરાંત વિદેશોમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.

આ વર્ષે ગ્રાહકોને અને ખાસ કરીને યુવા પેઢીને આકર્ષવા માટે મીઠાઈ વિક્રેતાઓએ અનોખા પ્રયોગો કર્યા છે. યુવા પેઢીના મોડર્ન ફ્લેવર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી 'Gen-Z' ઘારીનો ભાવ રૂ. 1200 પ્રતિ કિલો છે. બીજી ટ્રેન્ડી ઘારી છે 'જંતર-મંતર' ઘારી. જે નામ પ્રમાણે જ અનોખી રીતે બનાવવામાં આવી છે.