સુરતમાં આ વર્ષે ચંદની પડવાના પર્વે અંદાજે 200 ટન ઘારી વેચાવાની ધારણા છે. આ ઘારીની કુલ કિંમત 18 કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ મીઠાઈ વેપારીઓ લગાવી રહ્યા છે. ચંદની પડવો સુરતમાં ઘારી અને ભૂસાના તહેવાર તરીકે ઓળખાય છે.
સુમુલ ડેરીએ આ વખતે 85,000 કિલોથી વધુ ઘારી તૈયાર કરી છે. શહેરના ખાનગી મીઠાઈ વિક્રેતાઓએ 90,000 કિલોથી વધુ ઘારી બનાવી છે. તહેવાર પહેલાંના બે-ત્રણ દિવસથી દુકાનો પર ગ્રાહકોની ભીડ વધી છે. અગાઉથી બુકિંગ અને ઓનલાઇન ઓર્ડર પણ સારા એવા આવી રહ્યા છે.
આ વખતે યુવાનોની પસંદગી પ્રમાણે નવા સ્વાદની ઘારી પણ બજારમાં આવી છે. તેમાં સ્વિસ ચોકલેટ, કુનાફા, બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને ચીકુ ચોકલેટ જેવા ફ્લેવરનો સમાવેશ થાય છે. પરંપરાગત માવા ઘારી અને બદામ-પિસ્તા ઘારી પણ પહેલાંની જેમ વેચાઈ રહી છે.
કાચા માલના ભાવ વધવાથી ઘારી કિલોએ આશરે 100 રૂપિયા મોંઘી થઈ છે. સાદી માવા ઘારી 900 રૂપિયા કિલો વેચાઈ રહી છે. કેસર, બદામ-પિસ્તા અને અંજીર-અખરોટની ખાસ ઘારી 1,100થી 1,200 રૂપિયા કિલો છે. કુનાફા ઘારી 1,200 રૂપિયા અને પ્રીમિયમ ઘારી 1,300 રૂપિયા કિલો સુધી વેચાઈ રહી છે. ભાવ વધ્યા છતાં ગ્રાહકોમાં ઉત્સાહ ઓછો થયો નથી.
ઘારી બનાવવાની પ્રક્રિયા વિશે મીઠાઈ વેપારી રાધાબેન મીઠાઈવાલાએ જણાવ્યું કે તૈયારી બે-ત્રણ દિવસ પહેલાંથી રસોડામાં શરૂ થઈ જાય છે. તેમણે કહ્યું કે નવરાત્રી પૂરી થયા બાદ ઠંડી શરૂ થાય છે, ત્યારે શરીરનું તાપમાન બદલાય છે. ઘારી શુદ્ધ ઘી, કેસર, બદામ, પિસ્તા અને શરીરને હૂંફ આપતા મસાલામાંથી બને છે. એટલે તે શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે અને ઋતુ બદલાવ સામે રક્ષણ પણ આપે છે.
સુરતી ઘારી હવે દેશની બહાર પણ પહોંચી છે. અમેરિકા, લંડન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા સગાં-સંબંધીઓ માટે સુરતમાંથી ઘારીના પાર્સલ મોકલાઈ રહ્યા છે. ઘારી લાંબા સમય સુધી તાજી રહે તે માટે ખાસ પેકિંગ ટેકનોલોજી વપરાય છે. આ પેકિંગને કારણે ઘારી ત્રણ મહિના સુધી ખરાબ થતી નથી. પેકિંગ ખોલ્યા બાદ ત્રણ દિવસમાં ઘારી ખાઈ લેવી જોઈએ.
ડાયાબિટીસ અને ફિટનેસ પ્રત્યે સભાન લોકો માટે સુગર ફ્રી ઘારી પણ ઉપલબ્દ છે. આ વખતે શહેરમાં 5,500 કિલોથી વધુ સુગર ફ્રી ઘારી વેચાવાનો અંદાજ છે. તેમાં સુમુલ ડેરી 3,000 કિલો અને ખાનગી વિક્રેતા અંદાજે 2,500 કિલો બનાવી રહ્યા છે. વરિષ્ઠ નાગરિકો અને કેલરીનું ધ્યાન રાખતા લોકોમાં આ ઘારીની માંગ વધી રહી છે.