સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ: 7 મહિનામાં 4 મોત, વેન્ટિલેશન વગરનું બાથરૂમ બન્યું મોતનું જાળ

સુરતમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ: 7 મહિનામાં 4 મોત, વેન્ટિલેશન વગરનું બાથરૂમ બન્યું મોતનું જાળ

સુરત શહેરમાં યોગ્ય વેન્ટિલેશન વગર ઘરોમાં લગાવવામાં આવેલા ગેસ ગીઝર હવે 'સાયલન્ટ કિલર' સાબિત થઈ રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં ગેસ ગીઝરમાંથી નીકળતા ઝેરી કાર્બન મોનોક્સાઈડ વાયુના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ત્રણ અલગ-અલગ પરિવારોના સભ્યોનો સમાવેશ થાય છે.

તાજેતરની ઘટના કતારગામ ગુરુદ્વારા પાસે આવેલી ગુણાતીત નગર સોસાયટીની છે. અહીં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ વરીયાની પુત્રી પ્રિયમ નજીકની ખાનગી સ્કૂલમાં ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. શનિવારે સવારે પ્રિયમ સોસાયટીમાં આયોજિત ગણેશ આરતીમાં જવા માટે બાથરૂમમાં નહાવા ગઈ હતી. દોઢ કલાક સુધી બહાર ન આવતાં પરિવારે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે દરવાજો તોડીને જોતાં પ્રિયમ બેભાન હાલતમાં જમીન પર પડી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી.

પ્રાથમિક તપાસ મુજબ, ગરમ પાણી માટે ગીઝર શરૂ કર્યા બાદ ઝેરી ગેસના ગળતરથી ગૂંગળામણ થતાં તેનું મોત નીપજ્યું હતું.

આ પહેલા ફેબ્રુઆરી 2026માં લાલગેટ હરિપુરાની સોય શેરીમાં આવેલા સૈયદ મંઝિલના ત્રીજા માળે રહેતા 41 વર્ષીય ફૈઝ અહેમદ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને 12 વર્ષીય પુત્ર નોમાન 10 ફેબ્રુઆરીએ સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત મળી આવ્યા હતા. મોટા ભાઈ ઉસ્માન સૈયદે દરવાજો તોડી અંદર પ્રવેશતાં બેડરૂમમાં દંપતી અને હોલમાં બાળક મૃત હાલતમાં મળ્યા હતા. સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઈડ ગેસ ઘરમાં પ્રસરી જતાં શ્વાસમાં જવાથી આખા પરિવારનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું.

અગાઉ નવેમ્બર 2025માં ઓલપાડ તાલુકાના માસમા સ્થિત ગૃહમ લક્ઝરિયામાં રહેતી 26 વર્ષીય ડિન્કલ આદિત્યકુમાર ભગત સુરત મનપાના વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી અને તેને ચૂંટણીપંચ દ્વારા બીએલઓ (BLO) તરીકે જવાબદારી પણ સોંપાઈ હતી. બે વર્ષ પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર ડિન્કલ પોતાના ઘરના બાથરૂમમાં અચાનક બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારજનોએ દરવાજો તોડીને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ગેસ ગીઝરના ઝેરી વાયુના ગળતરથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડો. સંદીપ રલોતીના જણાવ્યા અનુસાર, જ્યારે બાથરૂમ સંપૂર્ણપણે બંધ હોય, બારીઓ પેક હોય અને એક્ઝોસ્ટ ફેન ન હોય ત્યારે ગેસ ગીઝરમાંથી નીકળતો ધુમાડો બહાર નીકળી શકતો નથી. આ સ્થિતિમાં ઓક્સિજન ઘટે છે અને કાર્બન મોનોક્સાઈડ એકઠો થાય છે. આ ગેસ ગંધહીન અને રંગહીન હોવાથી વ્યક્તિને તેની હાજરીનો ખ્યાલ પણ આવતો નથી.

બાળકી બાથરૂમમાં એકલી હતી અને ગેસ ગીઝર ચાલુ હતું, જેના કારણે CO ગેસ ધીમે ધીમે જમા થઈ ગયો. ઓક્સિજન ઓછો થવાથી તે બેભાન થઈ ગઈ અને તેનો શ્વાસ રૂંધાઈ ગયો. એટલે કે, બંધ બાથરૂમમાં કાર્બન મોનોક્સાઇડનું ભરાવું અને ઓક્સિજનની અછત જ બાળકીના મૃત્યુનું મુખ્ય કારણ હોય શકે.

ઘરમાં ગીઝર લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આનાથી સુરક્ષા અને પરફોર્મન્સ બંને જળવાઈ રહે છે. જેમ કે- પરિવારના સભ્યો અને ઉપયોગ મુજબ કેપેસિટી અને મોડેલ પસંદ કરો. હંમેશા ISI માર્કવાળું ગીઝર જ લગાવો. બ્રાન્ડેડ અને BEE (બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી) રેટેડ મોડેલ જ ખરીદો. 4 કે 5-સ્ટાર રેટિંગ વીજળી બચાવે છે અને સુરક્ષા પણ સારી હોય છે. ગેસ ગીઝર એવી જગ્યાએ લગાવો, જ્યાં પૂરતું વેન્ટિલેશન હોય. હંમેશા પ્રોફેશનલ પ્લમ્બર/ટેકનિશિયન પાસેથી જ ગીઝર ઇન્સ્ટોલ કરાવો. ગીઝરને ફ્લોરથી ઓછામાં ઓછું 6 ફૂટની ઊંચાઈ પર ઇન્સ્ટોલ કરાવો. ગીઝર અને દીવાલ વચ્ચે પૂરતી જગ્યા છોડો. પાવર બોર્ડને બાથરૂમમાં ઊંચાઈ પર લગાવો, જેથી બોર્ડ પાણીના સંપર્કમાં ન આવે. ગીઝરને જોડવા માટે હંમેશા મેટલ પાઇપનો ઉપયોગ કરો. ગીઝરનું કનેક્શન MCBથી કરાવો, જેથી વોલ્ટેજ ઘટવા-વધવા પર તે આપમેળે બંધ થઈ જાય.