સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નવરાત્રી પહેલાં સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોની માતાઓ માટે એક ખાસ ગરબા આયોજન યોજાયું હતું. મોટા ગરબા મેદાનોમાં ભીડને કારણે આ મહિલાઓ ગરબા રમવા જઈ શકતી નથી, તેથી નૂપુર હોસ્પિટલ દ્વારા છેલ્લા પાંચથી સાત વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.
હોસ્પિટલના ડૉ. ખુશાલીએ જણાવ્યું કે, મોટા ગરબા મેદાનોમાં સગર્ભા બહેનો માટે રમવું જોખમી બની શકે છે. તેથી અહીં ધીમા, લયબદ્ધ અને સુરક્ષિત પગલાં શીખવવામાં આવે છે. આનાથી માતા અને આવનાર બાળકના સ્વાસ્થ્ય માટે સારી કાર્ડિયો એક્ટિવિટી પણ મળે છે. આ વર્ષે લગભગ 15થી 20 સગર્ભા મહિલાઓ અને 15થી 25 માતાઓએ પોતાના નવજાત બાળકો સાથે ભાગ લીધો હતો.
બે મહિનાની દીકરી સાથે ગરબા રમનાર ક્રિયા શાહે કહ્યું કે, મારી દીકરી હજી બે મહિનાની છે અને હું તેને પહેલી વાર ઘરની બહાર લાવી છું. હું અને મારા પતિ નવ દિવસ ગરબા રમીએ છીએ. બાળક નાનું હોવાથી મોટા મેદાનમાં જવું અઘરું હતું, પણ અહીં કોરિયોગ્રાફર સુરક્ષિત પગલાં શીખવે છે, જેથી દીકરી સાથે આ પર્વની ઉજવણી કરવાનો આનંદ મળ્યો.
ગર્ભાવસ્થાના આઠમા મહિનામાં હોય તેવા અમીએ કહ્યું કે, તેઓ ગરબા માટે ઘણા ઉત્સાહી છે. મોટા આયોજનોમાં જવું શક્ય ન હોવાથી હોસ્પિટલના આ આયોજનમાં આવીને આનંદ થાય છે. અહીં હળવા અને સુરક્ષિત પગલાં શીખવાય છે, તેથી શરીરમાં ભારે પણું કે તકલીફ થતી નથી.
મૈત્રી ત્રિવેદીએ જણાવ્યું કે, નૂપુર હોસ્પિટલ અને ડૉ. ખુશાલીએ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પ્રી-નવરાત્રીનું સરસ આયોજન કર્યું છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન મોટા મેદાનોમાં રમી શકાતું નથી. તેઓ દર વર્ષે દસ દિવસ ગરબા રમવા જાય છે અને આ વખતે બે તાળી, ત્રણ તાળી અને ટીટોડિયા જેવા સરળ પગલાં સાથે ગરબા રમીને પ્રેગ્નન્સીને માણી રહ્યા છે.
પ્રાચી ત્રિવેદીએ કહ્યું કે, તેઓ છ મહિનાની દીકરી સાથે આ ગરબા વર્કશોપમાં આવ્યા છે. ગત વર્ષે ગર્ભાવસ્થાના કારણે રમી શક્યા ન હતા, તેથી આ વર્ષે બમણા ઉત્સાહ સાથે આવ્યા છે. અહીં સેમી-વેસ્ટર્ન અને વેસ્ટર્ન મિક્સ પગલાં શીખવાય છે, જેમાં તેમની નાની દીકરી પણ મજા કરે છે.