સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં 'ગાંવ ચલો' આંદોલન: રજા અને પગાર કપાત સામે 10 લાખ શ્રમિકો વતન તરફ

સુરતમાં 'ગાંવ ચલો' આંદોલન: રજા અને પગાર કપાત સામે 10 લાખ શ્રમિકો વતન તરફ

સુરતમાં શ્રમિકોના 'ગાંવ ચલો' આંદોલને વેગ પકડ્યો છે. શહેર અને જિલ્લામાંથી 10 લાખથી વધુ શ્રમિકોએ સાપ્તાહિક રજા, સમયસર પગાર અને શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે. મોટી સંખ્યામાં મજૂરો વતન જવા રેલવે સ્ટેશન પર પહોંચતાં લાંબી લાઈનો લાગી છે.

દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલાં જ શ્રમિકો વતન જવા મજબૂર બન્યા છે. ટ્રેન પકડવા લોકોમાં ભાગદોડ મચી છે. રેલવે પોલીસે લાઈન લગાવીને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો હતો.

અયોધ્યા પરત ફરી રહેલા શ્રમિક પ્રેમચંદ્રાએ જણાવ્યું કે, અઠવાડિયામાં એક રજા મળવી જોઈએ, પરંતુ માલિકો રજા આપતા નથી. જો કારીગરો રજા માગે તો શરૂઆતમાં બે અઠવાડિયા છુટ્ટી આપે છે, પણ પછી જૂની સિસ્ટમ ચાલુ કરી દે છે. પ્રેમચંદ્રાએ કહ્યું કે માલિકો માત્ર દિલાસો આપે છે, પાછળથી કોઈ વાત સાંભળતું નથી.

વતન જઈ રહેલા અજય નામના યુવકે જણાવ્યું કે, તેને રજા આપવામાં આવતી નથી. માલિકોએ સ્પષ્ટ કહ્યું છે કે રજા લેશે તો પગાર કાપી લેવાશે. અલાહાબાદના રાજીવ કુમાર પાલે પણ સમાન વ્યથા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પગાર ન વધારવાના કારણે અને રજાના દિવસે પગાર કાપી લેવાની નીતિના કારણે તેઓ વતન જઈ રહ્યા છે. માલિકે સીધું કહી દીધું હતું કે રવિવારની છુટ્ટી નહીં મળે, જવું હોય તો જઈ શકો છો.

પ્રયાગરાજ જવા નીકળેલા બ્રિજેશ નિષાદે કહ્યું કે, તે અહીં ચાર-પાંચ મહિનાથી કામ કરતો હતો, પરંતુ છુટ્ટી ન મળતી હોવાથી ગામ જઈ રહ્યો છે. જ્યારે તે પોતે અઠવાડિયામાં રજા લેતો ત્યારે માલિક પગાર કાપી લેતા. હવે તે ગામ જઈને રેતીમાં કાકડી અને ખીરા વાવીને ગુજરાન ચલાવશે.

મનોજ કુમાર સિંહે રડમસ અવાજે જણાવ્યું કે, તેને ફરજિયાત 12 કલાક ડ્યૂટી કરવી પડતી હતી અને પગાર પણ સમયસર મળતો ન હતો. રજા માગતાં પગાર રોકી લેવામાં આવ્યો અને કારખાનામાંથી કાઢી મૂકવામાં આવ્યો. કારખાનામાંથી કાઢી મૂકવામાં આવેલા 25-30 લોકો ગામ જઈને ખેતી કરશે.

શિવવંદન કુમારે આક્રોશ સાથે જણાવ્યું કે, માલિકે 12 કલાકની ડ્યૂટી કરવા દબાણ કર્યું અને ગેટની બહાર કાઢી મૂક્યો. કારીગરોએ મહિનામાં 26 દિવસ કામ કરવા તૈયારી દર્શાવી હતી, પરંતુ માલિકે 30 દિવસ ફરજિયાત કામ કરવાનું કહેતાં તેઓએ ના પાડી દીધી. શિવવંદને કહ્યું કે હવે તેઓ ગામ જઈ રહ્યા છે અને જ્યારે શેઠને માણસોની જરૂર પડશે ત્યારે ફોન કરીને બોલાવશે, અન્યથા પરત નહીં ફરે.

મજૂર યુનિયનોએ પણ શ્રમિકોની વહારે આવીને માલિકો સામે મોરચો માંડ્યો છે. મજૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું કે 'ગાંવ ચલો' આંદોલન હેઠળ મોટી સંખ્યામાં મજૂરો ગામ જઈ રહ્યા છે અને તેમની ટીમ આ મજૂરોને પાણી તથા બિસ્કિટ આપી રહી છે.

આ આંદોલન દર્શાવે છે કે શ્રમિકોની મૂળભૂત માંગણીઓ—સાપ્તાહિક રજા, સમયસર પગાર અને માનવીય વર્તાવ—પૂરી ન થાય તો શહેરી ઉદ્યોગોને શ્રમિકોની ભારે અછત સર્જાઈ શકે છે.