સુરત સ્થિત ડિફેન્સ ટેકનોલોજી કંપની ઇનસાઇડએફપીવી (insideFPV) એ સંરક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. કંપનીએ લદ્દાખમાં અંદાજે 18,000 ફૂટની ઊંચાઈ પર સક્રિય ઇલેક્ટ્રોનિક વોરફેર વચ્ચે પોતાના સ્વદેશી કામિકાઝે એફપીવી ડ્રોન ‘અદ્વિક’નું સફળ પરીક્ષણ કર્યું છે. આ ડ્રોન હવે ભારતીય સેનાને સોંપવામાં આવ્યો છે.
આધુનિક યુદ્ધમાં નાના એટેક ડ્રોન સામે સૌથી મોટો પડકાર ઇલેક્ટ્રોનિક જામિંગ છે. યુક્રેન યુદ્ધમાં બંને પક્ષોએ મોટા પાયે કમ્યુનિકેશન જામિંગને કારણે હજારો એફપીવી ડ્રોન ગુમાવ્યા છે. જ્યારે દુશ્મનનું જામર ડ્રોન અને ઓપરેટર વચ્ચેનો સંપર્ક તોડી નાખે છે, ત્યારે ડ્રોન નિયંત્રણ બહાર જાય છે અને મિશન નિષ્ફળ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે બહારથી ટેકનોલોજી ખરીદવાને બદલે ભારતમાં જ સુરક્ષિત કમ્યુનિકેશન લિંક વિકસાવવી જરૂરી બની હતી.
ઇનસાઇડએફપીવીએ બહારથી તૈયાર પાર્ટ્સ લેવાને બદલે પોતાની ઇન-હાઉસ કમ્યુનિકેશન લિંક બનાવીને આ સમસ્યાનો ઉકેલ શોધ્યો છે. કંપનીએ કસ્ટમ હાર્ડવેર અને એન્ટેના રેક સિસ્ટમ દ્વારા મલ્ટિપલ આરએફ સિસ્ટમ જોડી છે, જેથી દુશ્મનના ઇલેક્ટ્રોમેગ્નેટિક હુમલા વચ્ચે પણ સિગ્નલ કપાતું નથી. કંપનીના સીટીઓ દેવ્યંત ભારદ્વાજના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો માને છે કે એન્ટી-જામિંગ માટે ડ્રોન ભારે અને મોંઘું હોવું જોઈએ, પરંતુ અમે હલકું, સસ્તું અને કોમ્પેક્ટ ડ્રોન બનાવ્યું છે, જેને અત્યાર સુધી કોઈ જામર રોકી શક્યું નથી.
ડ્રોનના પરીક્ષણ માટે લદ્દાખની પસંદગી ખાસ વિચારણા બાદ કરવામાં આવી હતી. સમુદ્ર સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈએ હવાની પાતળી ઘનતા એરોડાયનેમિક્સ અને પ્રોપેલરની ક્ષમતા ઘટાડે છે, જ્યારે માઇનસ તાપમાન બેટરીની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે. આવા અત્યંત પ્રતિકૂળ વાતાવરણ અને ભીષણ જામિંગ વચ્ચે પણ ‘અદ્વિક’ ડ્રોને સ્થિર ઉડાન ભરી હતી. ટેસ્ટિંગ અંગે કંપનીએ કહ્યું કે, “જો અમારું ડ્રોન આટલી વિષમ પરિસ્થિતિમાં લદ્દાખમાં કામ કરી શકે, તો તે દેશની કોઈપણ સરહદે સક્ષમતાથી કામ કરી શકે છે.”
હાલના વૈશ્વિક સંઘર્ષો દર્શાવે છે કે આધુનિક યુદ્ધ માત્ર ટેકનોલોજીથી નહીં, પણ સંખ્યાબળથી પણ જીતાય છે. નિવૃત્ત મેજર જનરલ વિકાસ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને દુશ્મન પર સચોટ પ્રહાર કરવા માટે અંદાજે એક લાખ જેટલા ઓછા ખર્ચવાળા કામિકાઝે ડ્રોનની જરૂર છે. આ લક્ષ્ય ત્યારે જ શક્ય બને જ્યારે તેનું ડિઝાઇનિંગ અને ઉત્પાદન ભારતમાં જ થાય, જેથી તેનો ખર્ચ ઓછો રહે અને દેશના સૈનિકો દુશ્મનના જામર્સ સામે હંમેશા એક ડગલું આગળ રહી શકે.