સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગે સતત પાંચમા દિવસે હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે. શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી, જેમાં 44.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે.
તપાસ દરમિયાન 32 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે. 25 હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્થળ ઉપર જ રૂ. 1,09,700નો દંડ વસૂલવામાં આવ્યો છે.
નોટિસમાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા, કિચનની સ્વચ્છતા અને પાણીના ઉપયોગ અંગેની કમીઓનો ઉલ્લેખ છે. ખોરાક માટે પાણી યોગ્ય રીતે વપરાતું ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓના ફિટનેસ સર્ટિફિકેટ જેવી બાબતોનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ પહેલાં ચોથા દિવસે 78 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તેમાં 69 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો અને 39 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી. 32 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રૂ. 1,34,900નો દંડ વસૂલાયો હતો.
તહેવારોની સીઝન શરૂ થતાં પહેલાં ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીથી ખાદ્ય એકમોમાં ફફડાટ ફેલાયો છે.