સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં પૂર રાહતના નામે કેટરર્સને 60 લાખનું બિલ, ટેન્ડર વગર કામ સોંપાયું

સુરતમાં પૂર રાહતના નામે કેટરર્સને 60 લાખનું બિલ, ટેન્ડર વગર કામ સોંપાયું

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં જુલાઈ મહિનામાં ખાડી પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરની આફતમાં ફસાયેલા હજારો નાગરિકોને રાહત કેન્દ્રોમાં આશરો આપી ભોજન પૂરું પાડવાના નામે મનપાના આરોગ્ય વિભાગે અંદાજે 60 લાખનું જંગી બિલ બનાવી દીધું છે. આ આખી દરખાસ્ત ગુરુવારે સ્થાયી સમિતિમાં રજૂ થશે.

પાલિકા પ્રશાસન દ્વારા ટેન્ડર વિના ખાનગી એજન્સીઓને સોંપાયેલા આ કામની મંજૂરી માટે ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરખાસ્તમાં એવો બચાવ રજૂ કર્યો છે કે, તત્કાલીન પૂરના અસામાન્ય સંજોગો અને લોકોની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાને રાખીને ટેન્ડર બહાર પાડી શકાય તેમ નહોતું. જોકે, કટોકટીના ઓઠા હેઠળ નિયમોને નેવે મૂકીને સીધેસીધા ત્રણ કેટરર્સને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવા પાછળ કોઈ આંતરિક ગોઠવણ છે કે કેમ, તે અંગે હવે પાલિકાના રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે.

સત્તાવાર વિગતો મુજબ, લિંબાયતના 51 જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી 10 રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા હતા. આ કેન્દ્રોમાં આશ્રય લેનારા પરિવારોને પુરી-શાક, ખીચડી અને ફરસાણના કુલ 1,50,100 ફૂડ પેકેટ્સ વહેંચાયા હોવાનો રિપોર્ટ તૈયાર કરાયો છે. પાલિકાએ ખાનગી સ્તરે પસંદ કરેલા ત્રણ કેટરર્સ દ્વારા આ ફૂડ પેકેટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા, જેમણે પાલિકા તંત્રને કુલ ₹60,05,454નું ફાઇનલ બિલ ફટકાર્યું છે. હવે આ જંગી રકમ ચૂકતે કરવા માટે આરોગ્ય વિભાગ સ્થાયી સમિતિ સમક્ષ આ અનિયમિતતા માફ કરવા વિનંતી કરી રહ્યું છે.

લિંબાયતમાં રાહત ભોજન વિતરણની આ સમગ્ર કામગીરી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ત્રણ અલગ-અલગ તબક્કામાં ચાલી હતી. પ્રથમ તબક્કામાં 7 જુલાઈએ ખાડી પૂર આવતાં 14 જુલાઈ સુધી (8 દિવસ) 10 રાહત કેન્દ્રોમાં ફૂડ પેકેટ અપાયા હતા. ત્યારબાદ 22 જુલાઈએ ફરી પાણી ભરાતા 28 જુલાઈ સુધી (7 દિવસ) વ્યવસ્થા ચાલુ રખાઈ હતી, જ્યારે 31 જુલાઈએ ત્રીજી વખત પૂર આવતા 3 ઓગસ્ટ સુધી (4 દિવસ) કામગીરી કરાઈ હતી. આમ, કુલ 19 દિવસ ચાલેલી આ કામગીરી પાછળ રોજના લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવતા શંકાની સોય વધુ મજબૂત બની છે.