સુરતમાં દર વર્ષે ચોમાસામાં પૂરની સમસ્યા સર્જાય છે. તેના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા એક મેગા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું છે કે, લાંબા ગાળાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગામી 100 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડે તો પણ પૂર ન આવે.
પૂર નિવારણના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) અંગે ચર્ચા કરવા માટે 23 સપ્ટેમ્બરના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં પૂરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યો સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, ઉધનાના મનુ ફોગવા અને સુરત પૂર્વના અરવિંદ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મલ્ટીમીડિયા કંપની દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ધારાસભ્યોએ પોતાના મહત્વના સૂચનો આપ્યા હતા.
ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, બારડોલી અને ઉપરવાસમાં વરસાદ પડે તો પણ સુરતમાં ખાડી પૂર આવી જાય છે. આથી અમે માગ કરી છે કે આ પાણીને અધવચ્ચેથી જ ડાયવર્ટ કરી નદી કે દરિયામાં વાળવામાં આવે. આ ઉપરાંત, ખાડી વિસ્તારોમાં લાંબા સમયથી ખૂબ જ કાદવ (સિલ્ટિંગ) જમા થયેલો છે. આ કીચડ તાત્કાલિક કાઢવાની જરૂર છે જેથી ખાડીની વહન ક્ષમતામાં વધારો થાય. વળી, ખાડીની આજુબાજુ થયેલા દબાણો પણ હટાવવા પડશે તો જ આ સમસ્યા હલ થઈ શકશે.
મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, પૂરની પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે સરકારે રચેલી ઉચ્ચ સ્તરીય કમિટી અને ટેકનિકલ કન્સલ્ટન્ટ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. પ્રેઝન્ટેશન દરમિયાન ધારાસભ્યોના સૂચનોને આધારે પ્રોજેક્ટમાં જરૂરી ફેરફારો કરાશે. ટૂંકાગાળાના ઉપાય તરીકે ખાડીમાં ડીસિલ્ટેશન (કાદવ કાઢવાની) અને એન્ક્રોચમેન્ટ (દબાણ) દૂર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરાશે. લાંબાગાળાના આયોજન માટે ઉપરવાસનું પાણી ડાયવર્ટ કરવાની શક્યતાઓ ચકાસાઈ રહી છે, જેથી આવનારા 100 વર્ષમાં મેક્સિમમ વરસાદ થાય તો પણ પૂર ન આવે.
અગાઉ એવી ચર્ચાઓ ઊઠી હતી કે ખાડીઓને આરસીસી બોક્સિંગ કરીને કવર કરી દેવામાં આવશે. જોકે, કમિશનર બેનીવાલે આ બાબતે જણાવ્યું હતું કે, ખાડીઓને પેક કરવાની આ પ્રોજેક્ટમાં કોઈ જ જોગવાઈ નથી. જો ખાડીઓને પેક કરી દેવામાં આવે, તો ભવિષ્યમાં તેને સાફ કરવાની (ક્લીનિંગ) ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે અને અન્ય ટેકનિકલ પ્રશ્નો પણ સર્જાય છે. એટલે અત્યારે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં ખાડીને પેક કરવાની કોઈ કામગીરી લેવામાં આવી નથી.
શહેરને પૂરથી બચાવવા માટે રાજ્યસ્તરેથી શરૂ કરાયેલા પ્રયાસો હવે માત્ર કાગળ પૂરતા સીમિત ન રહેતા અમલીકરણની દિશામાં આગળ વધ્યા છે. ખાડી પૂર નિવારણ માટે જરૂરી વિવિધ હાઇડ્રોગ્રાફી અભ્યાસ, ટેકનિકલ સર્વે અને મોડેલ રન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. સંબંધિત એજન્સીઓ દ્વારા આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ મનપા અને સિંચાઈ વિભાગને સોંપી દેવાયો છે. હવે આ રિપોર્ટના આધારે ટૂંકા અને લાંબા ગાળાના પ્રોજેક્ટને આખરી ઓપ આપીને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.