સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં બે આગ: બેલીઝિમો મોલની રેસ્ટોરન્ટ અને હીરા કંપનીની ઓફિસમાં લાગ્યો આગ

સુરતમાં બે આગ: બેલીઝિમો મોલની રેસ્ટોરન્ટ અને હીરા કંપનીની ઓફિસમાં લાગ્યો આગ

સુરતમાં સોમવારે બે અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. પાલ ગૌરવ પથ રોડ પર આવેલા બેલીઝિમો મોલની રેસ્ટોરન્ટમાં અને ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરા કંપનીની ઓફિસમાં આગ લાગી હતી. બંને ઘટનાઓમાં ફાયર વિભાગે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

બેલીઝિમો મોલમાં વહેલી સવારે આગ લાગી હતી. મોલના પહેલા માળે આવેલી આર.કે. થાળી રેસ્ટોરન્ટના કિચનમાં આગ ભભૂકી ઊઠી હતી. ફાયર વિભાગને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તપાસમાં કિચનમાં યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા નહોતી અને ગેસના બાટલા પણ મળી આવ્યા હતા. વહેલી સવારે આગ લાગતાં મોટી જાનહાનિ ટળી હતી.

બીજી ઘટના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરા કંપનીની ઓફિસમાં બની હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગની ટીમને દોઢ કલાકની ભારે જહેમત બાદ તેના પર કાબૂ મેળવવો પડ્યો હતો. આગમાં ઓફિસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઓફિસના કબાટમાં કરોડો રૂપિયાની કિંમતના હીરા રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જેથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

એક જ સમયગાળામાં શહેરમાં આગની બે ઘટનાઓ સામે આવતાં ફાયર સેફ્ટી અને આગના કારણો અંગે પ્રશ્નો ઊભા થયા છે. ફાયર વિભાગે બંને ઘટનાઓમાં સમયસર કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.