સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત રેલવે સ્ટેશન પર ખોટા TTE બની મુસાફરોને ડરાવનાર યુવક ઝડપાયો, વીડિયો વાયરલ

સુરત રેલવે સ્ટેશન પર ખોટા TTE બની મુસાફરોને ડરાવનાર યુવક ઝડપાયો, વીડિયો વાયરલ

સુરત રેલવે સ્ટેશન પર એક યુવકે ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) જેવા કપડાં પહેરીને મુસાફરોની ટિકિટ તપાસવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ સંયુક્ત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 22 ઓક્ટોબરે 'X' પર એક શંકાસ્પદ વીડિયો વાયરલ થયો હતો, જેમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક યુવક TTE જેવા વસ્ત્રોમાં મુસાફરો પાસે ટિકિટ માગતો અને તેમના પર રોફ જમાવતો દેખાયો હતો. વીડિયોમાં તે મુસાફરોને દંડની ધમકી આપતો અને કેટલાકને પગે પડવા મજબૂર કરતો પણ જોવા મળ્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, 'chillboy_92' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ આઈડી પરથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સુરતના લિંબાયત-ઉધના વિસ્તારમાં રહેતા સમીઉલ્લાહ શેખ (ઉં.વ. 25)ની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 18 ઓક્ટોબરે આ વીડિયો બનાવ્યો હતો. તેણે જણાવ્યું કે, આ વીડિયો માત્ર મનોરંજન અને કન્ટેન્ટ બનાવવાના હેતુથી બનાવ્યો હતો અને મુસાફરો પાસેથી કોઈ પૈસા લીધા ન હતા. સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે તેણે આ હરકત કરી હોવાનું તેણે સ્વીકાર્યું હતું.

રેલવે પોલીસે આરોપી વિરુદ્ધ રેલવે અધિનિયમની કલમ 145(2)(a) અને 147 RA હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેશન પરિસરમાં ગેરકાયદે પ્રવેશ અને મુસાફરોને ગેરમાર્ગે દોરવાને ગંભીર ગુનો ગણવામાં આવે છે.