સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. લસકાણા પોલીસે ગઢપુરના સહજાનંદ હબમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી બનાવટી સાબુના 2,000 બોક્સ મળી આવ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ ₹2.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોડાઉનમાં મોટી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ સાબુનો જથ્થો તૈયાર કરવામાં આવતો હતો. આરોપીઓ આ બનાવટી સાબુને બજારમાં વેચીને આર્થિક ફાયદો મેળવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે ચીરાગ રંગાણી અને દીપક રાદડિયાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને નકલી સાબુના જથ્થાનું વિતરણ ક્યાં અને કોને કરવામાં આવતું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.