સુરતના સરથાણા વિસ્તારમાં ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઈમના નામે વેપારીઓ-ઉદ્યોગકારોને ડરાવીને ખંડણી કરતી એક ટોળકી સક્રિય હોવાનો મામલો સામે આવ્યો છે. સરથાણા મહાવીર ચોક સ્થિત ઓફિસમાં ઘૂસી વેબ ડેવલપમેન્ટનું કામ કરતા યુવક અને તેના ભાગીદારોનું અપહરણ કરીને 4 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. સરથાણા પોલીસે ગાંધીનગરના એક પત્રકાર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 ફરાર સાગરીતોની શોધખોળ ચાલુ છે.
મૂળ અમરેલીના પીઠવાજાળ ગામના વતની અને હાલ લસકાણા પાસોદરા રોડ ખાતે રહેતા 22 વર્ષીય મિહિત પ્રકાશભાઈ દેસાઈ મહાવીર ચોક સ્થિત 'ધ ગેલેરીયા-2' બિલ્ડિંગમાં ભાગીદારીમાં ઓનલાઇન વેબ-ડેવલપમેન્ટનું કામકાજ કરે છે. 24 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યે મિહિતભાઈ પોતાના સ્ટાફ સાથે ઓફિસે હાજર હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખસો અચાનક ઓફિસમાં ધસી આવ્યા હતા. તે પૈકીના એક શખ્સે મોબાઈલમાં વીડિયો શૂટિંગ શરૂ કરી દીધું હતું અને ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓના ફોન બળજબરીથી ઝૂંટવી લઈ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
ટોળકીના સાગરીતોએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમમાંથી આવ્યા હોવાનો રોફ જમાવી GST તથા ઓફિસના દસ્તાવેજો માંગ્યા હતા. પેઢી પાસે જીએસટી નંબર ન હોવાનું અને માત્ર ભાડા કરાર હોવાનું જણાવતાં જ આરોપીઓએ ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "તમે ગેરકાયદે ધંધો કરો છો, એટલે તમને જીએસટી મામલે ગાંધીનગર લઈ જવા પડશે." ત્યારબાદ ઓફિસમાંથી એક લેપટોપ જપ્ત કરી મિહિતભાઈ અને તેમના ભાગીદાર પ્રણવને બળજબરીપૂર્વક નીચે ઊભેલી સફેદ કલરની ઈનોવા કારમાં બેસાડી દીધા હતા.
જે સફેદ ઈનોવા કાર (GJ-02-ER-7887)માં તેમને બેસાડવામાં આવ્યા તેના ડેશબોર્ડ પર લાલ રંગનું "GOV. OF GUJRAT" લખેલું બોર્ડ મારેલું હતું. કારમાં ચાર શખસ સવાર હતા અને બે શખસ ઓફિસ પર હાજર રહ્યા હતા. આરોપીઓ બંને ભાગીદારોને શ્યામધામ મંદિર નજીક લઈ ગયા હતા અને "અમે ગાંધીનગર પોલીસમાંથી છીએ, 50 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર મોટો કેસ બનાવી આજીવન જેલમાં ધકેલી દઈશું" તેવી ધમકી આપી ખંડણી માંગી હતી.
યુવકોએ આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતાં આરોપીઓ ફરી ગાડી ઓફિસે લાવ્યા હતા અને ત્રીજા ભાગીદાર મિલનને પણ કારમાં બેસાડી દીધો હતો. ત્રણેય યુવકોને કારમાં ફેરવીને આરોપીઓએ ₹10 લાખની માંગણી કરી હતી, જેમાં આખરે ₹8 લાખ આપવાનું નક્કી થયું હતું. મિલને પોતાના મોટા ભાઈ અમિતને ફોન કરી નાણાંની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આરોપીઓએ ઓફિસે રોકેલા પોતાના બે સાગરીતોને કામરેજ બોલાવી અમિત પાસેથી રોકડા ₹4,00,000 પડાવી લીધા હતા. નાણાં વસૂલ થઈ જતાં આરોપીઓ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે રસ્તા પર ઉતારીને કાર સાથે નાસી છૂટ્યા હતા.
ઘટના બાદ ભોગ બનનાર મિહિતભાઈએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને પોલીસે ગણતરીના કલાકોમાં ગાંધીનગરના 3 આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં પ્રતીક હિરાણી: વ્યવસાયે પત્રકાર (રહે. સેક્ટર-૨, ગાંધીનગર), યશ બારિયા: નકલી પી.આઈ. બન્યો હતો (રહે. પેથાપુર, ગાંધીનગર) અને સાહિલકુમાર પરમાર: વાળંદની દુકાન ચલાવે છે (રહે. સેક્ટર-૩, ગાંધીનગર) નો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગુનામાં વપરાયેલી ઈનોવા કાર સચિવાલય ખાતે સરકારી કામકાજ માટે ભાડે દોડતી હતી. કારનો ચાલક ₹30,000 ભાડું મેળવીને તેને સુરત લાવ્યો હતો. ટોળકીમાં યશ નામનો શખસ PI બન્યો હતો જ્યારે અન્ય શખસો સાયબર ક્રાઈમના અધિકારી તરીકે રોફ જમાવતા હતા. આ ગુનામાં રાજકોટના રવિ પટેલ નામના અન્ય એક પત્રકાર સહિત કુલ બે શખસ હજુ વોન્ટેડ છે, જેમને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમો રવાના કરી છે.