સુરત શહેરના અઠવા વિસ્તારમાં બડેખા ચકલા પાસે આવેલા એક મેડિકલ સ્ટોરના સંચાલકે પશુઓ માટે વપરાતી લીવર ટોનિકને બાળકોની દવા તરીકે વેચવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત SOG ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને મોહમ્મદ સાજીદ મુલ્લાની ધરપકડ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હિમાલયા કંપનીની પશુઓ માટેની Liv.52 Protec Liquid Animal Feed Supplementની 1 લિટર અને 5 લિટરની મોટી કેનમાંથી પ્રવાહી કાઢીને 60 મિલિ અને 100 મિલિની નાની બોટલોમાં ભરતો હતો. ત્યારબાદ તેના પર બાળકો માટે વપરાતી હિમાલયા Liv.52 Drops 60 મિલિના નકલી સ્ટીકર ચોંટાડીને અસલ દવા ગણાવી ડબલ ભાવે વેચતો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તે છેલ્લા એક વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતો હતો અને અત્યાર સુધીમાં આવી લગભગ 1000 બોટલો નાગરિકોને વેચી છે. પશુઓ માટેની 1 લિટરની બોટલની MRP ₹330 છે, જ્યારે માનવ ઉપયોગ માટેની 60 મિલિની બોટલની MRP ₹160 છે. આરોપી 1 લિટરના પેકમાંથી નાની બોટલો ભરીને ₹330ની દવા ₹660થી વધુમાં વેચતો હતો.
આરોપીની મેડિકલ દુકાન લગભગ 20 વર્ષ જૂની છે. મેડિકલ સ્ટોર ચલાવવા માટે જરૂરી લાયસન્સ અંગે તપાસ કરતાં બહાર આવ્યું કે તેની દીકરીએ તાજેતરમાં જ B.Pharmનો અભ્યાસ પૂરો કર્યો હતો. દીકરીના ડિગ્રી સર્ટિફિકેટ અને ફાર્માસિસ્ટ લાયસન્સના આધારે આ દુકાનનું સંચાલન થઈ રહ્યું હતું. દીકરીના લાયસન્સની આડ લઈને પિતા આ ગેરકાયદે કારોબાર ચલાવી રહ્યો હતો.
દુકાનમાંથી 5 લિટરનું એનિમલ ફીડ કેન 1, 60 મિલિની દવા ભરેલી 1 બોટલ, 14 ખાલી બોટલ, ઢાંકણાં અને 6 નંગ નકલી સ્ટીકર મળ્યા છે. કુલ ₹31,195નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી મોહમ્મદ સાજીદ મુલ્લા સામે અઠવા પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 123, 125, 336-2, 336-3, 336-4 અને 278 તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ નકલી દવાનો જથ્થો અન્ય વેપારીઓ, હોસ્પિટલો કે ક્લિનિકોમાં સપ્લાય થયો હતો કે કેમ અને નકલી સ્ટીકરો ક્યાં પ્રિન્ટ થયા હતા, તે દિશામાં SOG ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
નોંધ: હિમાલયા લિવ.52 સીરપ ડોક્ટરની સલાહથી લિવરને ઝેરી તત્વોથી બચાવવા, ભૂખ વધારવા, કમળો અને ફેટી લિવર જેવી સમસ્યાઓમાં લિવરની કાર્યક્ષમતા વધારવા તેમજ નબળાઈ દૂર કરવા માટે વપરાય છે.