સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસની વિશેષ ટીમ (SOG)એ સંયુક્ત દરોડા પાડીને આઠ નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. આ તમામ લોકો કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડની ખુલાસો 14 વર્ષીય એક સગીરનું મોત થયા બાદ થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પાર્થ દેવનાથ નામના આરોપીએ બેદરકારીભરી સારવાર કરતાં સગીરનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી અને નકલી ડોક્ટરોની ધરપકડ કરી.
દરોડા દરમિયાન, ટીમે ડમી પેશન્ટ મોકલીને આરોપીઓની ખરાઈ કરી હતી. તેમની પાસેથી દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત 98,825 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, આરોપીઓમાં કેટલાક ફક્ત 12મું ધોરણ પાસ છે, તો કેટલાક પાસે બી.એસસી ડિગ્રી છે. કેટલાક અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર સહાયક તરીકે કામ કરતા હતા અને પછી ડોક્ટર તરીકે ઓળખાણ આપવા લાગ્યા. માન્ય ડિગ્રી વગર સારવાર કરવી એ લોકોના જીવન સાથે ચેડાં કરવા સમાન છે અને તે ગંભીર ગુનો છે.