સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: M.Tech એન્જિનિયરની નકલી 'સાયબર ફોરેન્સિક નિષ્ણાત' તરીકે ઓળખ આપી 1.24 કરોડની ઠગાઈ, મુંબઈથી ઝડપાયો

સુરત: M.Tech એન્જિનિયરની નકલી 'સાયબર ફોરેન્સિક નિષ્ણાત' તરીકે ઓળખ આપી 1.24 કરોડની ઠગાઈ, મુંબઈથી ઝડપાયો

સુરતમાં પોતાને 'ફોરેન્સિક સાયબર ક્રાઈમ સ્પેશિયાલિસ્ટ' તરીકે ઓળખાવીને લોકોને છેતરતા એક ભેજાબાજને સાયબર સેલે મુંબઈથી ઝડપી લીધો છે. આરોપી 34 વર્ષીય પ્રિયાંક સમીરભાઈ વ્યાસ છે, જે B.Tech અને M.Tech જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, પરંતુ બેકાર હોવાથી તેણે ગુનાહિત રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

નવેમ્બર 2025માં સુરતના એક પેટ્રોકેમિકલ વેપારી બેંક લોનના કામકાજ માટે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન કેલાવાલા પાસે ગયા હતા. આ CAએ વેપારીને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી મુંબઈની હોટેલમાં પ્રિયાંક સાથે મુલાકાત કરાવી હતી. પ્રિયાંકે પોતાને 'Dr. Priyank Samirbhai Vyas-Forensic Cyber Crime Specialist' તરીકે ઓળખાવી, ભારત સરકારના રાજચિહ્ન વાળું નકલી આઈ-કાર્ડ બતાવીને વિશ્વાસ કેળવ્યો હતો. નવેમ્બર 2025થી ઓક્ટોબર 2026ના 11 મહિનાના સમયગાળામાં આરોપીઓએ 21 અલગ-અલગ હપ્તામાં વેપારી પાસેથી કુલ 1.29 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

આરોપી પ્રિયાંક એટલો શાતિર હતો કે તે પોતાના લેપટોપ પર કરોડો રૂપિયાનું ફેક બેલેન્સ બતાવતો હતો. તેણે 15 કરોડનું સર્વર ફંડ, આર્જેન્ટિનાનું 153 કરોડનું ફંડ અને નાસિકના વ્યક્તિના બિટકોઈન રિકવરી જેવાં ટેકનિકલ બહાનાં હેઠળ ભોગ બનનારને ફસાવ્યા હતા. મુંબઈની હોટેલમાં તે લાઈવ ડેમો બતાવીને ડાર્ક વેબ પર રોકાણ કરવાથી કરોડો રૂપિયાનો નફો મળશે તેવી ખાતરી આપતો હતો. વાતચીત માટે તે વિદેશી નંબર (+27) અને BOTIM એપનો ઉપયોગ કરતો હતો. અગાઉ globalswiftpay નામની સાઈટમાં પોતે છેતરાયા બાદ તેને આ નકલી બેલેન્સ બતાવીને લોકોને ઠગવાનો વિચાર આવ્યો હતો.

ઠગાઈ આચરવા માટે આરોપી એક સેટ ફોર્મ્યુલા વાપરતો હતો. તે પહેલા ટ્રાન્ઝેક્શન સક્સેસનો ફેક સ્ક્રીનશોટ મોકલતો અને બીજી જ ક્ષણે ટ્રાન્ઝેક્શન ફેઈલ થયાનું નાટક કરતો. 'UTR પાછળ IP લાગી ગયું', 'ઇથેરિયમનું સર્વર ડાઉન છે' અને 'વોલેટ ઓડિટમાં એરર છે' તેવા બહાના કાઢીને ગેસ ફી, ટ્રાન્ઝેક્શન ફી અને ઉપાડ ચાર્જના નામે રોકડ, બેંક અને USDT મારફતે રૂપિયા ખંખેરતો હતો. ભોગ બનનારનો વિશ્વાસ ટકાવી રાખવા તેણે વચ્ચે 4.70 લાખ રૂપિયા પરત પણ કર્યા હતા. આરોપી પાસે એક 'ઇન્ડિયન એવોર્ડ' અને ક્રાઈમમાં ફેક ડૉકટરેટની ડિગ્રી અને ભારત સરકારના રાજચિહ્ન વાળું નકલી ઓળખકાર્ડ પણ મળ્યું છે.

ભોગ બનનારાઓ 'આ છેલ્લી વખત છે, પછી બધા પૈસા પાછા મળશે' એમ વિચારીને ફી ભરતા રહ્યા અને આરોપી આ રૂપિયાથી મુંબઈમાં વૈભવી જીવન જીવતો રહ્યો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પ્રિયાંકે છેતરપિંડીના રૂપિયાથી મુંબઈમાં 1.50 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી, BMW કાર વસાવી હતી અને મુંબઈમાં જ અન્ય એક ફ્લેટ બુક કરાવી 80 લાખ રૂપિયાનું ટોકન પણ ભર્યું હતું. આ ઠગે અન્ય એક સુરતી પાસેથી પણ 7.50 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ખૂલ્યું છે.

આ હાઈ-પ્રોફાઈલ કેસની માહિતી આપતા એડિશનલ સીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, આરોપી પ્રિયાંક વ્યાસે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને તેણે B.Tech તેમજ M.Tech કરેલું છે. તે CA જેવા વિશ્વાસપાત્ર વ્યક્તિને વચ્ચે રાખીને લોકોને શિકાર બનાવતો હતો. સાયબર સેલે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી આરોપી પાસેથી મુંબઈના ફ્લેટ, BMW કાર, લેપટોપ અને બેંક ખાતાંઓ સહિત કુલ 9.65 કરોડથી વધુનો મુદ્દામાલ અને સંપત્તિ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં બનાવટી ઓળખ અને ડૉકટરેટની ડિગ્રીનો દાવો કરનાર મુખ્ય સૂત્રધાર પ્રિયાંક વ્યાસ સુરત સાયબર ક્રાઈમ પોલીસની ગિરફ્તમાં છે. જોકે, આ ગુનામાં તેને મદદગારી કરનાર અને અસીલોને લલચાવીને ફસાવનાર સુરતનો 35 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન કેલાવાલા હાલ પોલીસ ચોપડે ફરાર છે. પોલીસે ભાગેડુ CA ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને અન્ય ભોગ બનનારાઓની સઘન શોધખોળ શરૂ કરી છે.