સુરત: શહેરની વિવિધ જીઆઈડીસી વિસ્તારોમાં આવેલા એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકોએ શનિવારે (12 સપ્ટેમ્બર) કલેક્ટર કચેરીને ઘેરીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ‘તારીખ પર તારીખ નથી જોઈતી, રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર જોઈએ’ – આ માંગણીઓ સાથે શ્રમિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો હતો.
આ પ્રદર્શન દરમિયાન એક શ્રમિકે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમના ફોટા પાડીને ધમકી આપી હતી, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. ડીસીપી નકુમે હાથમાં દંડો લઈને ચેતવણી આપી હતી કે જો સૂચનાઓ ન માની તો ઘર્ષણ થશે અને એફઆઈઆર દાખલ કરવામાં આવશે. બાદમાં શ્રમિક આગેવાનો અને અધિકારીઓએ સમજાવતાં શ્રમિકો પરત ફર્યા હતા. કલેક્ટર કચેરીમાં બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.
છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આ આંદોલનની શરૂઆત 16 ઓગસ્ટે અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી થઈ હતી. ત્યારબાદ તે અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ, સચિન જીઆઈડીસી તેમજ પીપોદરા અને કડોદરા સુધી ફેલાઈ ગયું હતું, જ્યાં શ્રમિકોએ કામકાજ બંધ કરાવીને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. આ સ્થિતિને કારણે અનેક સ્થળોએ તંગદિલી સર્જાઈ હતી અને પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો. સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે અને રવિવારના રોજ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દોઢ મહિનાથી તૈનાત છે.
શ્રમિક યુનિયનના અગ્રણીઓએ અગાઉ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતાં શનિવારે મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બીજો શનિવાર હોવાના કારણે મુલાકાત ન થતાં તેઓ સોમવારે ફરીથી રજૂઆત કરશે. આ ગતિરોધને ઉકેલવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓ તેમજ જિલ્લા લેબર અધિકારી સાથે સતત બેઠકો યોજાઈ રહી છે, જેથી માલિકો અને શ્રમિકો વચ્ચેના સંઘર્ષને ટાળીને વેતન કાપ્યા વગર સાપ્તાહિક રજાનો સ્વીકાર્ય ઉકેલ લાવી શકાય.
શ્રમિક અરવિંદ રાજ વિશ્વકર્માએ કહ્યું, ‘અમારી એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ અને રોજના 12-12 કલાક કામ કરીએ છીએ. તેથી રવિવારની રજા અને પૂરો પગાર મળવો જોઈએ. હાલમાં ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો સમય નથી મળતો અને ઊંઘ પણ પૂરી થતી નથી. પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ મળી રહી છે. અમને તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા અને 8 કલાકની શિફ્ટ જોઈએ છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી આવી જ સ્થિતિ ચાલી રહી છે અને કોઈ વાત સાંભળતું નથી. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે રસ્તા રોકીને ચક્કાજામ કરશું અને જે કંઈ કરવું પડશે તે તમામ આંદોલનો કરીશું.
મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું કે આગામી 30 તારીખ સુધીમાં માંગણીઓ અને ન્યાયી હકોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે અમારા વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ફરજ પડીશું. સરકારી કાયદાઓનો અમલ સંબંધિત વિભાગો દ્વારા કરાવવામાં આવે અને કામદારોને ન્યાય મળે તે માટે યુનિયન ઉગ્ર આંદોલન કરશે.