સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં એમ્બ્રોડરી કામદારોનું આંદોલન: રજા અને 8 કલાકની ડ્યૂટીની માંગ

સુરતમાં એમ્બ્રોડરી કામદારોનું આંદોલન: રજા અને 8 કલાકની ડ્યૂટીની માંગ

સુરતના અમરોલી વિસ્તારના એમ્બ્રોડરી કામદારોએ રવિવારની રજા અને આઠ કલાકની ડ્યૂટીની મુખ્ય માંગણીઓ સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને મોરચો માંડ્યો હતો. છેલ્લા લાંબા સમયથી એમ્બ્રોડરી કારખાના માલિકો અને કામદારો વચ્ચે ચાલતા વિવાદ અંગે શ્રમ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચેની બેઠક નિષ્ફળ રહેતાં આખરે કામદારોએ આંદોલનનો રસ્તો લીધો હતો. યોગ્ય ઉકેલ ન આવતાં કામદારોએ કલેક્ટર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરીને ન્યાયની માગ કરી હતી.

સુરતના એમ્બ્રોડરી અને કાપડ ઉદ્યોગમાં 12 કલાકની મજૂરી, કડક નીતિઓ અને સાપ્તાહિક રજાના અભાવને કારણે 'ગાંવ ચલો' આંદોલન હેઠળ 10 લાખ શ્રમિકો યુપી-બિહાર વતન તરફ પલાયન કરી રહ્યા છે. રજા માગવા કે બીમારીના કિસ્સામાં પગારકાપ, સમયસર નાણાં ન ચૂકવવા અને 250થી 300 કારીગરોને નોકરીમાંથી કાઢી મૂકવાના ગંભીર આક્ષેપો શ્રમિકોએ કર્યા છે. માલિકો અને પ્રશાસનના ખોટા દિલાસાથી કંટાળીને કારીગરોએ હવે શહેરી રોજગાર છોડી ગામમાં ખેતી કે મજૂરી કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, મજૂર યુનિયનોએ પલાયન કરી રહેલા કારીગરોને મદદ કરવાની શરૂઆત કરી છે.

જો વહેલી તકે માનવીય ધોરણે રજા અને શોષણમુક્ત વાતાવરણની માગ પૂરી નહીં થાય તો સુરતનો ચમકતો ટેક્સટાઇલ ઉદ્યોગ ગંભીર આર્થિક સંકટમાં ધકેલાઈ જશે.